ચુકાદો:ચાણસ્માના યુવકના હત્યારા બે જણાંને આજીવન કેદ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલવાની અદાવતમાં બે યુવકો દ્વારા ધારીયાં અને છરી વડે ઘાતકી હુમલો કરીને મોત નીપજાવ્યું હતું
  • કરપીણ હત્યાના કેસમાં પાટણ સેસન્સ કોર્ટનો ચૂકાદો : કહ્યું હળવાશથી ન લેવાય, આઈ વિટનેશ આધારે ગુનો પૂરવાર

ચાણસ્મા શહેરમાં સાત વર્ષ અગાઉ અપશબ્દો બોલવાની અદાવતમાં બે યુવકો દ્વારા ધારીયા અને છરી વડે ઘાતકી હુમલો થયો હતો જેમાં ઈજાગ્રસ્ત યુવકનું સ્થળ ઉપર જ તેના પિતાની નજર સામે મોત થયું હતું. આ ઘટનાનો કેસ પાટણના એડિશનલ સેશન્સ જજ અને સ્પેશ્યલ જજ સમક્ષ ચાલી જતા બંને આરોપીને કોર્ટે તકસીરવાન ઠરાવીને હત્યાના ગુનામાં આજીવન કેદ અને રૂ. 25 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ ભોગવવા હુકમ કર્યો હતો. જ્યારે એટ્રોસિટી એક્ટના ગુનામાં નિર્દોષ ઠરાવ્યા હતા.

પાટણ જિલ્લા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવી 2003માં નિવૃત્ત થયેલા ચાણસ્માના રહીશ બાબુભાઈ સોમાભાઈ પરમાર 27 ઓક્ટોબર 2014ના રોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે તેમના ઘરેથી નીકળી ચાણસ્મા બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમનો દીકરો રાજેશકુમાર તેમની આગળ જતો હતો. આ સમયે વાઘેલા ભૂપતસિંહ મહેન્દ્રસિંહ તેમજ રાવળ બળદેવભાઈ ઉર્ફે કકી રમણભાઈ બંને જણા ધારિયા અને છરી લઈ ધસી આવ્યા હતા અને સવારે કેમ ગાળો બોલ્યો હતો તેમ કહી ભુપતસિંહ વાઘેલાએ તેની પાસેના ધારિયાથી ગાલ ખભા તેમજ અન્ય સ્થળે આડેધડ માર માર્યો હતો. જ્યારે બળદેવ રાવળે છરી વડે પેટ તેમજ અન્ય સ્થળે આડેધડ ઘા ઝીંક્યા હતા જેમાં લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયેલા રાજેશનું મોત નીપજ્યું હતું.

હુમલાની ઘટના બની ત્યારે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને બચાવવા જતા તેમને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સંબંધે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં મૃતક રાજેશ ના પિતા બાબુભાઈ પરમારે ઈપીકો કલમ 302, 506 (2) 114, એટ્રોસિટી એક્ટ 3 (2 )(5) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાનો કેસ પાટણના સ્પેશ્યલ જજ અને બીજા એડિશનલ જજ એ.કે.શાહ સમક્ષ ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ એસ.એચ.ઠક્કર દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને બંનેને હત્યાના ગુનામાં દોષિત ઠરાવ્યા હતા. કોર્ટે આરોપીઓને સજા ફરમાવી મૃતક યુવકના પિતા ફરિયાદીને યોગ્ય વળતર ચૂકવી આપવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...