પાટણમાં પોલીસના પુત્ર દ્વારા ઊંચા વ્યાજની વસૂલી થતી હોવાના ચોકાવનારો હકીકત બહાર આવતા તેને પગલે પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું છે તેમજ કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરનારા તત્વો પણ ઊંચા નીચા થવા લાગ્યા છે ત્યારે વધુ એક ઘટનામાં સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામના એક યુવક રૂપિયા ત્રણ લાખ આપી તેની પાસેથી લીધેલા 10 તોલા સોનાના દાગીના પરત ના આપી 10% વ્યાજની માગણી કરતા ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના બે શખ્સો સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.
મેત્રાણા ગામે રહેતા અલ્પેશભાઈ અમરતભાઈ દેસાઈને ખેતી સહિતના કામ માટે અવારનવાર ઉંઝા જવાનુ થતુ હોઈ ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામના પટેલ રવિભાઈ રમેશભાઈ તથા પટેલ આશીષભાઈ સોમાભાઈ સાથે પરીચય થયો હતો. બંને વિશ્વાસમાં લઈ ઓછા વ્યાજે વધુ ગોલ્ડલોન કરી આપવાની લાલચ આપતાં અલ્પેશભાઈએ દાગીના બેન્કમાંથી છોડાવી ઉંઝા મુકામે IFLની પેઢીમાં મુકવા પટેલ આશીષભાઈ તથા પટેલ રવિભાઈને આપ્યા હતા. બાદમાં તમારી ગોલ્ડ લોન થઈ નથી જેથી મિત્રના ત્યાં મુકી દર મહિનાના 3 ટકા લેખે વ્યાજ સાથે રૂ.3 લાખ આપ્યા હતા.
આ લોકો પર વિશ્વાસ રાખી દર મહિને રુ.9000 પ્રમાણે કુલ 13 મહિના સુધી ઓક્ટોબર 2022 સુધી વ્યાજ પેટે રૂ.1,17,000 ચૂકવ્યા હતા.ત્યારબાદ ઘરે લગ્ન પ્રસંગ આવતાં દાગીના છોડાવવા માટે રવિ અને આશિષનો ટેલિફોનિક સંર્પક કરતાં બન્ને જણા ઉડાઉ જવાબ આપ્યા બાદ અમારી જોડે કોઈ સોનાના દાગીના નથી અને જો તારે દાગીના લેવા હોય તો 10 ટકા લેખે કુલ રૂ.3,90,000 આપવા પડશે તેમ જણાવતા કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.
વ્યાજખોરીમાં પોલીસ કર્મીના પુત્રની શોધખોળ
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીના પુત્ર પ્રશાંત દિનેશભાઈ રબારી સામે પઠાણી વ્યાજની ઉઘરાણી અને મારામારી તેમજ ધમકીને ફરિયાદ દાખલ થતાં પોલીસ દ્વારા તેની તપાસ ચાલી રહી છે. બી ડિવિઝન પીઆઈ પટેલે જણાવ્યું હતું કે આરોપીની શોધખોળ ચાલી રહી છે તેના ઠેકાણા પર પોલીસ નજર રાખી રહી છે તેની સામે જે ગુનો દાખલ થયો છે તે જોતા કોર્ટ કાર્યવાહી કરાશે. તપાસ દરમિયાન એના પિતાની સંડોવણી જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.