આકાશી આફત:પાટણ જિલ્લામાં મધ રાત્રે ફૂંકાયેલા ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદે ભારે તારાજી સર્જી, બેના મોત

પાટણએક મહિનો પહેલા
  • સરસ્વતીના મેલુસણ ગામે વીજ કરંટથી એકનું મોત
  • હારીજના જશોમાવ ગામ ખાતે વીજળી પડવાથી મજૂરનું મોત
  • જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાથી ચાર પશુઓના મોત
  • ચાણસ્મા પંથકમાં ભારે પવન ફૂંકાતા મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી

પાટણ જિલ્લામાં ગતરોજ અષાઢી બીજના રોજ સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ત્યારે પાટણ શહેર સહિત ચાણસ્મા, સરસ્વતી, હારીજ અને રાધનપુર તાલુકામાં ભારે ગાજવીજ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેને લઈ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ હતી. વીજળી પડવાથી હારીજ તાલુકામાં એક મજૂરનું મોત થવા પામ્યું હતુ, તો સરસ્વતી તાલુકામાં વીજ કરંટ લાગવાથી એકનું મોત થયું હતું. જ્યારે ચારથી વધુ પશુઓના અલગ અલગ વિસ્તારોમાં મોત થવા પામ્યા હતા ચાણસ્મા પંથકમાં ભારે પવનના કારણે રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા.

વીજળી પડતા એકનું મોત, બીજાને કરંટ લાગ્યો
પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ શુક્રવારે મોડી રાત્રે પડેલા ધોધમાર વરસાદ અને ભારે ગાજવીજ તેમજ પવનના કારણે ભારે તારાજી સર્જાવા પામી છે. જેમાં હારીજ તાલુકાના જશોમાવ ગામ ખાતે ઈંટોના ભઠ્ઠાના મજૂરો ઉપર વીજળી પડવાનો બનાવ બન્યો હતો. જેમાં એક યુપીના મજૂરનું મોત થયું છે. તેમજ બે મજૂરોને ઇજાઓ પહોંચી છે. સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે લાકડાના લાટીના માલિક પ્રવીણ ભેમાંભાઈ સુથાર દુકાનનું શટર ખોલતા હતા, ત્યારે વીજ કરંટ લાગત મોત થયું હતું.

ચાર પશુઓના મોત
આ ઉપરાંત પાટણ જિલ્લામાં અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પડવાથી ચાર જેટલા પશુઓના મોત થયા છે. હારીજ શહેરમાં પણ વીજ થાંભલો પડવાથી બે આંખલાઓના મોત થયા છે.

ગરનાળા પાણી ભરાતા વિદ્યાર્થીઓ ફસાયા
પાટણ શહેરમાં વરસાદ પડતાં કોલેજ રોડના ગરનાળામાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી. તો એક સ્કૂલ રિક્ષા ગરનાળા ફસાઈ હતી. આમ ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓ રેલવે ફાટક ફરીને સ્કૂલે જવું પડ્યું હતું. તો ગરનાળા પાણી ભરવાના કારણે રેલવે ફાટક રોડ ઉપર પણ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઉપરાંત પાટણ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉદભવતા રાહદારીઓ સહિત વાહન ચાલકોની મુશ્કેલી વધવા પામી છે.પાલિકા દ્વારા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સુનની કામગીરી સદંતર નિષ્ફળ નીવડી હોવાનો ચોમાસાની શરૂઆતમાં જ શહેરીજનો અહેસાસ કરી રહ્યા છે.

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

  • રાધનપુર 63 મિમી.
  • સમી 42 મિમી.
  • પાટણ 35 મિમી.
  • હારીજ 31 મિમી.
  • ચાણસ્મા 21 મિમી.
  • સરસ્વતી 15 મિમી.
  • સિદ્ધપુર 14 મિમી.
  • સાંતલપુર 8 મિમી.
  • શંખેશ્વર 5 મિમી.
અન્ય સમાચારો પણ છે...