તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:પાટણ જિલ્લામાં કડાકાભડાકા સાથે અઢી ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં, વીજળી પડતાં ત્રણ સોસાયટીમાં વીજ-ઉપકરણો બળી ગયાં

પાટણ20 દિવસ પહેલા
પાટણમાં ધોધમાર વરસાદ.
  • પાટણમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘ મહેર થતાં પાકમાં પ્રાણ ફૂંકાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

પાટણ જિલ્લામાં લાંબા વિરામ બાદ રવિવારે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. એને કારણે મૂર્ઝાઈ ગયેલા પાકોમાં પ્રાણ ફૂંકાયો હતો, જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો પાટણમાં માત્ર એક જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળી પડવાને કારણે શહેરની ત્રણ જેટલી સોસાયટીમાં શોર્ટસર્કિટ થવાથી વીજ-ઉપકરણો બળી ગયાંની ઘટના બની છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હોવાના અહેવાલ છે.

ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ.
ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે જિલ્લામાં અઢી ઇંચ જેટલો વરસાદ.

મોડી રાતે વીજળી પડવાની ઘટનાથી લોકો ભયમાં મુકાયા
પાટણમાં મોડી રાત્રે એકાએક વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળી પડવાથી વાળીનાથ ચોક વિસ્તારની ત્રણ સોસાયટીઓમાં વીજ-ઉપકરણો બળી ગયાં હતાં, જ્યારે સુભાષ ચોક ખાતે આવેલી પંચરની દુકાનનું છાપરું તૂટી ગયું હતું. સૃષ્ટિ હોમ્સ સોસાયટીનાં કેટલાંક ઘરોમાં પંખા, ટીવી, ફ્રિજ સહિતનાં વીજ-ઉપકરણોને ભારે નુકસાન પહોંચ્યું છે. આસપાસની સોસાયટીઓમાં પણ નુકસાન થયું હોવાના અહેવાલ સાપડી રહ્યા છે. સૃષ્ટિ હોમ્સ સોસાયટીના રહેવાસી ભાઈલાલ પટેલે જણાવ્યું હતું કે એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો અને થોડાવીરમાં વીજળીના એવા કડાકા થયા જે અત્યારસુધી જોયા ન હતા. મારા ઘરમાં ધાબા પર વીજળી ત્રાટકી અને ઘરમાં ઊતરી હતી. ઘરના પંખા, ફ્રિજ, ટીવી સહિત બધું જ બળી ગયું છે.

વીજળી પડતાં ઘરનાં પંખા, ફ્રિજ, ટીવી સહિત બધું જ બળી ગયું.
વીજળી પડતાં ઘરનાં પંખા, ફ્રિજ, ટીવી સહિત બધું જ બળી ગયું.

વરસાદ પડતાં ખેડૂતોની ચિંતા હળવી થઈ
ભારે ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતાં જિલ્લામાં પાટણ, રાધનપુર, શંખેશ્વર, સિદ્ધપુર, સાંતલપુર,ચાણસ્મા હારીજ, સમી, સરસ્વતી, વિસ્તારોમાં વરસાદ પડયો હતો, જેને લઇ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. અગાઉ પડેલા સારા વરસાદને લઇ મોટા ભાગના ખેડૂતોએ વરસાદી ખેતી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ પાટણ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. બીટીકપાસ ,રજકાબાજરી, મગ,અડદ, જુવાર સહિતના પાકોમાં પ્રાણ ફૂંકાયો છે.

વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી.
વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી.

પાટણ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ

  • રાધનપુર 61 મિ.મી.
  • સરસ્વતી 55 મિ.મી.
  • સમી. 53 મિ.મી.
  • શંખેશ્વર 51 મિ.મી.
  • પાટણ 50 મિ.મી.
  • ચાણસ્મા 37 મિ.મી.
  • સિદ્ધપુર 37 મિ.મી.
  • સાંતલપુર 37 મિ.મી.
  • હારીજ 27 મિ.મી.
અન્ય સમાચારો પણ છે...