સંભાવના:જગ્યા શોધી ન શકતાં પાર્કિંગની અઢી કરોડ ગ્રાન્ટ પાછી જશે

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ નગરપાલિકા 2018-19માં ગ્રાન્ટ ફાળવાયાના બે વર્ષ સુધી જગ્યાની પસંદગી ના કરી શકી, પાલિકા કહે છે ગ્રાન્ટ પેન્ડિંગ છે

પાટણ શહેરમાં અને ખાસ કરીને મુખ્ય બજારમાં ટ્રાફિક દિન પ્રતિદિન વધી રહ્યો છે. પરંતુ પાર્કિંગ માટે કોઈ સુવિધા ન હોવાથી રોજબરોજ અડચણ સર્જાઇ રહી છે. શહેરી વિસ્તારમાં પાર્કિંગ બનાવવા માટે સરકાર દ્વારા નગરપાલિકાને રૂપિયા 2.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. પરંતુ સ્થળ પસંદગી ન થઈ શકતાં આગામી ડિસેમ્બર માર્ચ માસમાં ગ્રાન્ટ સરકારમાં પાછી જાય તેવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ ચારેય દિશાઓમાં શહેરના વિસ્તાર સાથે જનસંખ્યા લગભગ પોણા બે લાખ સુધી પહોંચી છે. રોજના હજારો વાહનોની અવર જવર વચ્ચે અનાવાડા દરવાજાથી મુખ્ય બજાર થઈ રેલ્વે સ્ટેશનથી હાઇવે સુધીના મુખ્ય રસ્તામાં પાર્કિંગ માટે કોઈ જ સુવિધા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા પાર્કિંગ બનાવવા માટે અગાઉ વર્ષ 2018-19માં રૂપિયા 2.50 કરોડ ગ્રાન્ટ ફાળવી હતી જે ઉપયોગમાં નહીં લેવાય તો તે ડિસેમ્બર માર્ચમાં પાછી જાય તેમ છે. પાટણ શહેરમાં પાર્કિંગના અભાવે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યાપે પાલિકા દ્વારા સ્થળ પસંદગી ન કરાતાં સરકારમાંથી ફાળવાયેલ પાર્કિંગ માટેની ગ્રાન્ટ પરત જવાની સંભાવના છે.

ઉચિત જગ્યા ન મળતાં ગ્રાન્ટ પેન્ડિંગ છે
પાલિકાના ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિએ જણાવ્યું કે અગાઉ જુના ગંજ બજારમાં નીચે બગીચો અને ઉપર પાર્કિંગ બનાવવા વિચારણા કરી હતી. જોકે આ પછી આગળની કાર્યવાહી થઇ નથી. ગ્રાન્ટ ઉચિત જગ્યા ન મળવાના કારણે પેન્ડિંગ છે. જ્યાં ત્યાં ખોટી રીતે ખર્ચ કરી દેવાનો કોઈ મતલબ નથી.

દોઢેક દસકાથી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા
પાટણના અગ્રણી રો. બાબુભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ શહેરમાં દોઢેક દસકાથી વધતાં ટ્રાફિક અને તેની સામે પાર્કિંગની જરૂરિયાત ઉદભવી છે. દશેક વર્ષ અગાઉ દિવ્ય ભાસ્કર દ્વારા યાંત્રિક પાર્કિંગની આવશ્યકતા દર્શાવી હતી તે પરિસ્થિતિ આજે પણ છે. વહેલી તકે આ સુવિધા કરવી જરૂરી છે.

પાલિકાના ચીફ ઓફિસર સામેના આક્ષેપોની તપાસ તેમને જ સોંપાઈ
પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સામે પાલિકાના કોર્પોરેટરો છેલ્લા ઘણા સમયથી નારાજ છે અને અગાઉ ચીફ ઓફિસરની બદલી માટે ઠરાવ પણ થયેલા છે ત્યારે તાત્કાલિક બદલી કરવા અને તેઓ વિરૂદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં તપાસનો હુકમ ચીફ ઓફિસરને જ કરાતાં અચરજ સર્જાયું છે. જોકે અરજીમાં સહી નથી છતાં લેટરપેડનો દુરુપયોગ થયો છે કે કેમ તેની યોગ્ય તપાસ કરાશે અને રીપોર્ટ કરાશે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

પૂર્વ નગરપતિ હેમંત તન્નાની રજૂઆત મુજબ ચીફ ઓફીસરની કાર્યપદ્ધતિનાં કારણે આવનારા સમયમાં ભાજપને ઘણું નુકસાન સહન કરવું પડે તેમ છે.તેઓ ઓફીસ સમયે હાજર રહેતા ન હોવાથી નગરસેવકો, પ્રજાજનો અને વેપારીઓ પરેશાની ભોગવી રહ્યા છે. નગરસેવકોને અને પ્રજાને મળવાનો સમય ફાળવતા નથી સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. તેઓ કોગ્રેસના ધારાસભ્યના સમર્થક છે અને તેમના ઈશારે કામ કરે છે તેવો આક્ષેપ પણ કર્યો છે. પૂર્વ પ્રમુખ હેમંત તન્નાએ જણાવ્યું હતું કે, તેમની કામગીરી સંતોષકારક ન હોવાની ફરીયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...