2023 નવા વર્ષના પ્રથમ દિવસે પાટણના સરસ્વતી નદીના કાંઠે સહસ્ત્ર તરુવનમાં હમણાં જ સો વર્ષ પૂર્ણ કરી દેવલોક પામેલ આપણા વડાપ્રધાનના પૂજ્ય માતૃશ્રી સ્વ. હીરાબા મોદીને 100 દેશીકુળના વૃક્ષો વાવી ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને આર્યાવ્રત નિર્માણ દ્વારા પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી.
આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના વડીલ પર્યાવરણપ્રેમીઓએ સૌએ સાથે મળી બે મિનિટ મૌન પાળી, ગાયત્રીમંત્ર અને મહા મૃત્યુંજય મંત્રનું ગાન કરી દેશીકુળના સો વૃક્ષો વાવી પૂજ્ય હીરાબાને શ્રદ્ધાંજલિ આપી હતી. આર્યાવ્રત નિર્માણ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્યના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમ પાટણના સૌ પર્યાવરણપ્રેમીઓએ પીપળો, વડ, ઉંબરો, રુદ્રાક્ષ, કપૂર, સોપારી, બિલી, લીમડો, દેશી આંબો, જાંબુ જેવા સો દેશીકુળના વૃક્ષો વાવી શ્રદ્ધાંજલિ આપી છે તેમ સૌ ભારતીયોએ પણ એક એક દેશીકુળનું વૃક્ષ વાવી ઉછેરીને હરિત શ્રદ્ધાંજલિ આપવી જોઈએ જેથી પ્રકૃતિનું સાચું સંરક્ષણ અને સંવર્ધન થાય તથા સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થાય.
આ પ્રસંગે ગ્રીન ગ્લોબલ પાટણ જિલ્લાના પ્રમુખ ચેહરસિંહ સોલંકી, મહામંત્રી સુરેશ જોશી, જયદિપસિંહ રાજપૂત, જીગ્નેશ કડિયા, રવિ કક્કડ, તુષારભાઈ, નીરવ પટેલ, રમીલાબેન, ઉત્સવ પ્રજાપતિ, નરેશજી ઠાકોર વગેરે સહીત અનેક પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.