હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ધર્મેન્દ્રભાઈ મંગળભાઈ પટેલનું 53 વર્ષની વયે ગત તારીખ 17 એપ્રિલના રોજ અકાળે હૃદયરોગના હુમલાથી અવસાન થતાં આજે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાની ઉપસ્થિતિમાં યુનિવર્સિટી પરિવારે શ્રદ્ધાંજલિ આપી હતી.
સ્વર્ગસ્થ ડૉ. ધર્મેન્દ્રભાઈ મંગળભાઈ પટેલનો જન્મ વિસનગર તાલુકાના કડા ગામે થયો હતો. માતા-પિતા બંને શિક્ષક હોવાના નાતે ઘરમાં જ સંસ્કારિતાના ગુણ જીવનપર્યંત તેમનામાં છલકાતા રહ્યા. પ્રાથમિક શિક્ષણ ગામમાં લીધા બાદ વિસનગરની જી. ડી હાઇસ્કૂલ ખાતે માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચશિક્ષણ માટે નડિયાદ ખાતેની ધર્મસિંહ યુનિવર્સિટી ખાતે કોમ્પુટર વિષયમાં એમ સી એ પૂર્ણ કર્યું. ચાર ગામ લેઉઆ પાટીદાર સમાજમાં તેઓ પ્રથમ આ ડિગ્રી મેળવનાર યુવાન હતા.
તેમણે સમાજમાં પણ પોતાના શિક્ષણની ઉપયોગિતા સાર્થક કરી સેવાકીય પ્રકલ્પોમાં કામ કરતાં તેઓ ભણવામાં તેજસ્વી હતા તેમણે વિસનગર એમ એન સાયન્સ કોલેજમાંથી પ્રથમ નંબરે સ્ટેટેસ્ટીકસ વિષય સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. પાટણ યુનિવર્સિટી ખાતે 1997-98માં સિસ્ટમ એનાલિસ્ટ તરીકે જોડાઈને યુનિવર્સિટીમાં કોમ્પુટરનો વિનિયોગ વધારી વહીવટી સુગમતા ઊભી કરી.
આજની શોકસભામાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. જે જે વોરાએ તેમને શબ્દરૂપી અંજલિ આપતા જણાવ્યું હતું કે, સ્વ. ડૉ. ડી એમ પટેલનો જન્મ 16_10_1969માં થયો. અને ગત 17 તારીખે 53 વર્ષની વયે અકાળે હૃદયરોગના હુમલાથી તેમનો અકાળે થયેલો સ્વર્ગવાસ સમગ્ર યુનિવર્સિટી પરિવારને આઘાતમાં મૂક્યો છે.
સ્વભાવે નિખાલસ, હમેશાં હસમુખા સ્વભાવના, સાદા સરળ જીવનના હિમાયતી ધર્મેન્દ્રભાઈ હમેશાં યુનિવર્સિટી પરિવારના દિલમાં રહેશે. તેઓ કોઇની પણ સાથે અણબનાવ કે મનદુખ ધરાવતા નહોતા. તેઓનો મિલનસાર સ્વભાવ હમેશાં દરેક કર્મચારી માટે પ્રેરણારૂપ છે.
આ સાથે તેમના સાથી મિત્ર ડૉ. કે કે પટેલ અને સિનિયર અધ્યાપક ડૉ. ડી સી પટેલે પણ તેમને શબ્દરૂપી શ્રધ્ધાંજલિ પાઠવી હતી. સ્વ. ડૉ ડી એમ પટેલની અણધારી વિદાયથી તેમના માનમાં યુનિવર્સિટી દ્વારા આજે બપોર પછી વહીવટી અને શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું. આ શોકસભામાં વિવિધ વિભાગના વડા, અધ્યાપક ગણ, વહીવટી સ્ટાફ તેમજ સૌ યુનિવર્સિટી પરિવારે બે મિનિટનું મૌન પાળી તેમણે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.