સમાધાન:ધારપુર સિવિલમાં ફરજ બજાવતા એજન્સીના 4 સુપરવાઈઝરોની બદલી અને સફાઈ કર્મીઓને રૂ.1500નો પગાર વધારો કરાયો

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ કલેક્ટર કચેરી બહાર ચાલતાં સફાઈ કર્મીઓના વિરોધ પ્રદર્શનનો અંત આવ્યો
  • તબીબી અધિક્ષક , એજન્સી , વાલ્મિકી સમાજના હોદ્દેદારોની સંયુક્ત બેઠક કરી સમાધાન કરાયું

પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલમાં નોકરીમાંથી છૂટો કરતા વાલ્મિકી સમાજના યુવકે પાંચ દિવસ પૂર્વે ઝેરી દવા પી આત્મહત્યા કરતા હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ સહિત સમાજના લોકો ન્યાય માટે છેલ્લા 4 દિવસથી કલેકટર કચેરી બહાર દિવસ દરમ્યાન પ્રતીક ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય ગુરુવારે સાંજે સમાધાન માટે હોસ્પિટલના અધિકારીઓ સહિત સમાજના કાર્યકરો અને હોદ્દેદારોની સંયુક્ત બેઠક મળી હતી.જેમાં કર્મચારીઓના પગાર વધારા સાથે એજન્સીના ચાર સુપરવાઇઝરોની બદલી કરવા સહિતના મહત્વના નિર્ણયો લેવાતા અંતે સર્વેનું મતે સુખદ સમાધાન થયું હતું.

ધારપુર સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે મળેલ સમાધાન બેઠકમાં માંગણીઓ મુદ્દે ચર્ચા બાદ અને નિર્ણય લેવાયા હતા. જેમાં હૉસ્પિટલમાં ફરજ બજાવતા એજન્સીના 4 સુપરવાઇઝરની બદલી કરાશે , ચાલુ માસથી દરેક સફાઈ કર્મચારીઓને પ્રતિ માસ પગાર રૂપિયામાં 1,500નો વધારો કરાશે , સફાઈ કામદારોની હડતાળ સમયનો પગાર કપાત થશે નહીં, સફાઈ કામદારોની સુરક્ષા માટે એજન્સી ગ્રુપ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાશે, મરણ પામનાર સફાઈ કર્મચારીના કુટુંબના એક વ્યક્તિને લાયકાત મુજબ કોન્ટ્રાક્ટ ઉપર નોકરીએ લેવામાં આવશે, ગટર લાઈનની સાફ-સફાઈ મેન પાવરના બદલે મશીનરીથી કરવામાં આવશે તેમજ નિયમ મુજબ બોનસ આપવામાં આવશે, ટેન્ડર સ્ક્વેર મીટર પ્રમાણે આપેલ છે તેના બદલે હવે મેનપાવર આધારિત ટેન્ડર અપાશે જેના માટે પ્રક્રિયા શરૂ કરાઇ છે. તમામ નિર્ણયો સ્વીકાર્ય કરી બેઠકમાં સમાધાન કરાયું હતું.આ બેઠકમાં સિવિલ તબીબી અધિક્ષક ડૉ.પારુલ શર્મા , વાલ્મિકી સંગઠનના હોદ્દેદારો, એજન્સીના હોદ્દેદારો સહિત સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા.