• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Trahimam Will Live In A Hellish Condition In The Roof Area Of Gitanjali In Patan, Disaster Even Though The MLA's House Is Nearby

ધારાસભ્યના ઘર નજીક જ આફત:પાટણના છાપરા વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ, ચૂંટણી ટાણે હાથ જોડીને મત માગ્યા હવે કોઇ જોવાની તસ્દી પણ નથી લેતા

પાટણ4 મહિનો પહેલા
  • નર્કાગાર જેવી પરિસ્થિતિ વચ્ચે લોકોને જીવવાની ફરજ પડી રહી
  • કેટલાય સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હોવાની બૂમ
  • કાયમી નિરાકરણ લાવવા નક્કર પગલાં ભરાય તેવી લોકમાંગ

પાટણ શહેરના નવા બસ સ્ટેશન સાઈડના કોટની બાજુમાં ગીતાંજલીના છાપરા આવેલા છે. તેમજ મુખ્ય રોડથી અંદરની બાજુએ લોકોને જવા આવવાનો રસ્તો આવેલો છે. જ્યાં છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હોવાની બૂમ છે. અહીં નર્કાગાર જેવી પરિસ્થિતિ વચ્ચે લોકોને જીવવાની ફરજ પડી રહી છે. જેનું કાયમી નિરાકરણ લાવવા નક્કર પગલાં ભરાય તેવી લોકમાંગ કરી રહ્યાં છે.

ગટરના પાણી ઉભરાઈને તેનું ખાબોચિયું રચાયું
અહીં લાંબા સમયથી ગટરના પાણી ઉભરાઈને તેનું ખાબોચિયું રચાયું છે. અને તેના કારણે વાતાવરણ દૂષિત બની ગયું છે. રસ્તામાં જ ગટરના પાણી ભરાતા લોકોને ચાલવાની પણ જગ્યા રહી નથી અને લોકોને બસ સ્ટેશનની કમ્પાઉન્ડ વોલની બાજુમાં સાંકડા રસ્તા પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. ચોમાસામાં વરસાદ સમયે પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા હોવાનું લોકો જણાવી રહ્યાં છે.

દુર્ગધ અને મચ્છરોના ત્રાસથી રોગચાળો થવાનો ભય
અહીંના આસપાસના રહીશ મહિલાઓએ આ અંગે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી અહીં આવી પરિસ્થિતિ હોઈ અમે કંટાળી ગયા છીએ. દિવસે અને રાતે દુર્ગધ અને મચ્છરોના ત્રાસથી રોગચાળો થવાનો ભય અને બાળકો બિમાર થાય છે. તથા આવવા જવાની પણ ખૂબ તકલીફ ભોગવવી પડે છે. નગરપાલિકામાં તેમજ કોર્પોરેટરોને જાણ કરવામાં આવતા તેઓ એકાદ દિવસ આવીને જોઈને જતા રહે છે. પરંતુ કોઈ નિકાલ થતો નથી. જેથી ના છૂટકે અમારે નગરપાલિકા કચેરી ખાતે જવાની ફરજ પડશે.

નજીકમાં જ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું નિવાસસ્થાન
અહીંથી આગળ નજીકમાં જ ધારાસભ્ય ચંદનજી ઠાકોરનું નિવાસસ્થાન આવેલુ છે. તેમણે પણ આ અંગે અવારનવાર લેખિત મૌખિક રજૂઆતો કરેલી છે. છતાં આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી લોકો રહેતા હોઈ તંત્રને આ સમસ્યા ઉકેલવામાં કોઈ રસ નહિ હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ કબુલ્યું કે નગરપાલિકા સફાઇ કરતી નથી

આ બાબતે ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતુ કે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આ ગંદકીનો ફેલાવો સતત ચાલી રહ્યો છે. કેટલીયે વખત નગરપાલિકામાં લેખિત જાણ કરી છે. તેમજ સંકલન સમિતીમાં રજૂઆત પણ કરી છે. ચિફ ઓફિસરને પણ રજૂઆત કરી છે. પણ આ ગંદકી બાબતે નગરપાલિકાએ સફાઇ ન જ કરવી તે ફલિત થાય છે. નગરપાલિકા આ વિસ્તારની સફાઇ કરવાના નામે ખોટા વાઉચરો મુકે છે. આ નગરપાલિકા કયારે સુધરશે તેની રાહ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...