• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Topla Ujani Was Celebrated As Per Tradition In Sujanipur Village Of Patan, The Village Was Vacated And A New Pylon Was Built In Gondar.

ગામના ગોંદરે નવું તોરણ:પાટણના સુજનીપુર ગામમાં પરંપરા મુજબ ટોપલા ઉજાણીની ઉજવણી કરાઇ, ગામ ખાલી કરી ગોંદરે નવું તોરણ બંધાયું

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ તાલુકાના સુજનીપુર ગામ ખાતે ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે યોજાતી સમગ્ર ગામની સમુહ ટોપલા ઉજાણી અને ગામના ગોદરે નવું તોરણ બાંધવાનું પર્વ આજે આનંદ ઉમંગ અને સમગ્ર ગામની એકતાની ભાવના સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામમાં તમામ નાના-મોટા વડીલો યુવાનો બાળકો તેમજ ગામના પશુઓ સહિત તમામ ગામની બહાર નીકળીને સમગ્ર ગામને ખાલી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ માતા બહેનો માથે ટોપલા ઉપાડીને સીધુસામાન સાથે ગામના ગોદરે આવેલ બ્રહ્માણી માતાના મંદિર ખાતે પહોંચ્યા હતા. જ્યાં તળાવ કિનારે આવેલ વિશાળ ખુલ્લી જગ્યામાં સૌએ ચૂલા સળગાવીને પુરીઓ તળી હતી તેમજ સુખડી બનાવી હતી અને સુખડીની પ્રસાદી બ્રહ્માણી માતાને ધરી હતી.

ચોક્કસ સ્થળે રથની વિધિનું સમાપન
આ ધાર્મિક વિધિવિધાન પૂર્ણ થયા બાદ ગામના ગોંદરે નવુ તોરણ બાંધવામાં આવ્યું હતું. જેમાંથી સમગ્ર ગામના લોકો નવા બાંધેલા તોરણ નીચેથી પસાર થઈને ગામમાં અને પોત પોતાના ઘરે પ્રવેશ્યા હતા તેમજ ટોપલા ઉપાડેલ બહેનો પણ બ્રહ્માણી માતાના મંદિરેથી નીકળી ગામના નવા તોરણ નીચેથી પસાર થઈને પોતપોતાના ઘરે પહોંચ્યા હતા. આ ઉપરાંત ગામના તમામ પશુઓને પણ નવું તોરણ બાંધ્યા બાદ જ ગામમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરંપરાગત રીતે મોડી સાંજે ગામમાં માતાજીનો રથ નીકળ્યો હતો જે નિયત કરેલું રૂટ પર ફરીને ચોક્કસ સ્થળે રથની વિધિનું સમાપન કરવામાં આવ્યું હતું.

ગ્રામજનો ગામના ગોંદરે એકઠા થાય છે
આ પ્રસંગે સુજનીપુર ગામના વતની અને સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ ગામના આગેવાન પરમાનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામની આ સમૂહ ઉજાણીના પર્વનો મોટો ઇતિહાસ રહ્યો છે. ગામની સ્થાપના બાદ વર્ષોથી પરંપરાગત રીતે ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે ગામમાં આ ધાર્મિક વિધિ વિધાન સમગ્ર ગામજનો દ્વારા સાથે મળીને કરવામાં આવે છે જેમાં સમગ્ર ગામ ખાલી કરવામાં આવે છે અને સૌ ગામના ગોંદરે એકઠા થાય છે. માતા બહેનો ઘરેથી ટોપલામાં લાવેલ સીધું સામાન બ્રહ્માણી માતાજીના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ચૂલા સળગાવીને સૌ પ્રસાદ તૈયાર કરે છે અને માતાજીને ભાવ ભક્તિપૂર્વક પ્રસાદ અર્પણ કરી સૌ દર્શન પૂજનનો લાભ લે છે. ગ્રામજનો દ્વારા આ સમગ્ર પ્રસંગ હળીમળીને શાંતિપૂર્વક ઉજવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...