ઉત્તર ગુજરાતના સંડેર મુકામે નવ નિમૉણ પામનાર શ્રી ખોડલધામનો ભૂમિ અધિગ્રહણ સમારોહ ગુરૂવારે પાટણના ખોડાભા હોલ ખાતે યોજાયો હતો.આ સમારોહ પ્રસંગે સંડેર ગામ ખાતે નિર્માણ થનાર ખોડલધામ મંદિર માટે નજીવા દરે 16 વિઘા જમીન આપનાર ગામના 7 ખેડૂતો અને રૂ.એક કરોડ ઉપરાંત દાન આપનાર દાતા સ્નેહલભાઇ પટેલ સંડેર વાળા સહિતનાઓ સાથે ખોડલધામના નવ નિયુકત ચાર ટ્રસ્ટીઓનું ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે સન્માન કરાયું હતું.
ખોડલધામ ટ્રસ્ટમાં નવા વરાયેલ 4 ટ્રસ્ટીઓમા પાટણ ધારાસભ્ય ડો.કિરીટભાઈ પટેલ,સ્નેહલભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, અને એન.પી. પટેલના સન્માન સાથે દાતાઓને સન્માનિત કરી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સંડેર ખાતે ખોડલધામ મંદિર માટે 16 વીઘા જમીન પર મંદિર નિમૉણની સાથે સાથે સર્વ સમાજ માટે શિક્ષણ અને આરોગ્યના કાર્યો કરવામાં આવશે. ખોડલધામ મંદિરના પ્રતીક સમાન આ મંદિર સાથે શિક્ષણ અને આરોગ્યના કાર્યો ફક્ત લેઉવા પાટીદાર સમાજ માટે જ નહીં પરંતુ સર્વ સમાજ માટે થાય તે પ્રકારે ખોડલધામ સમિતિ દ્વારા કાર્ય કરવામાં આવશે તેવુ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત પ્રવીણભાઈ પટેલે દરેક વિસ્તારમાં ખોડલધામનું મંદિર હોય અને મંદિરમાં વિવિધ શિક્ષણ અને આરોગ્યની સેવા સાથે સમાજ ઉત્કષૅની પ્રવૃતિ થશે જેના થકી સમાજમાં નવી ચેતનાનો સંચાર થશે અને એક બીજાના વિચારો મળશે તેમ જણાવી મંદિર નિમૉણમા સહિયોગી બનનાર સૌને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આ સંસ્થા બનશે એમા શિક્ષણ અને સ્પધૉત્મક પરીક્ષા સહિત આરોગ્ય અને શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાશે.
પાટણ ધારાસભ્ય ડો.કિરીટપટેલે જણાવ્યું હતું કે ખોડલધામ માટે સરકારમાં જમીન માંગી છે. પરંતુ દાતાઓ દ્વારા નજીવા દરે જમીન ફાળવતા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલનું સ્વપ્ન સાકાર થયું છે. આગામી દિવસોમાં ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામ મંદિર બનવાનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.તેઓએ ખોડલધામ એ કોઈ ટ્રસ્ટ કે સંસ્થા નહીં પણ વિચાર છે.ત્યારે સંડેર મુકામે ટુક સમય માં ખોડલધામ સંકુલ ઉભું થવાનું છે ત્યારે ભવિષ્ય માં દેશ દુનિયા માં સંડેર ગામ પણ પ્રસિધ્ધ બનશે. પાટણ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉપસ્થિત રહ્યો હતો. સૌનું સ્વાગત પાટણ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર સૌનું સ્વાગત હાર્દિક પટેલે અને આભાર વિધિ મહેન્દ્રભાઈ પટેલે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.