પાટણ-ચાણસ્મા હાઇવે ઉપર નવા સરદાર પટેલ શાકમાર્કેટની સામે આવેલી શ્યામવીલા સોસાયટીની બાજુમાં હાઇવે ઉપરથી આજે શુક્રવારે વહેલી સવારે એક શંકાસ્પદ આયસર ટ્રકને પાટણનાં એક વેપારીએ ઉભી રખાવી તપાસ કરતાં અંદરથી 140 ભૂંડ મળી આવ્યાં હતાં. તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આ ટ્રકને જપ્ત કરી હતી. આ ભૂંડને ધ્રાંગધ્રાથી ભરીને અજમેર લઈ જવાતાં હતાં.
સૂત્રો અનુસાર પાટણનાં શાહના પાડામાં રહેતા અને પાટણમાં ખોખરવાડા પંચાલ વાડીની સામે 'મામા' જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાન ચલાવતા રાજ પ્રવિણકુમાર પરસોત્તમદાસ પંચાલ (ઉ.વ.28) તથા સાગર રમેશભાઇ પ્રજાપતિ અને જિજ્ઞેશ બાબુલાલ પ્રજાપતિ એમ ત્રણે જણા મધરાત્રે સવાબાર વાગ્યાના સુમારે પાટણનાં માંડોત્રી ગામે પશુ એમ્બ્યુલન્સ લેવા ગયા હતા. જેમાં રાત્રે અઢી વાગે રાજ પ્રવિણભાઇ સોની તેમની ગાડીમાં ગેસ ભરાવવા માટે નવા શાકમાર્કેટની બાજુમાં આવ્યા હતા.
જ્યાં તેઓ પેટ્રોલપંપ ખાતે ગેસ પુરાવી ઘરે જતા હતા ત્યારે પોણા ચારેક વાગે નવા શાકમાર્કેટની સામે શ્યામવીલા સોસાયટીની બાજુમાં એક આઇસર ગાડી રોડ પર પડી હતી. જેમાંથી પશુઓ ભર્યા હોવાનો અવાજ આવતાં તેમને શંકા જતાં તેઓ ટ્રક પાસે ગયા હતા. જ્યાં રાજ સોનીએ આઇસરમાં જોતાં તેમાં ભૂંડ ભરેલા હોવાનું અને ગાડીની કેબીનમાં ત્રણ માણસો બેઠેલા હોવાનું જણાતાં તેમણે તેમની પુછપરછ કરતાં આ 14 ભૂંડને ધ્રાંગધ્રાથી અજમેર કતલખાને લઇ જવાનું હોવાનું જણાયું હતું.
તેમણે આ બાબતે પોલીસને જાણ કરી હતી અને આ ટ્રક નં. આર.જે.યુ-1 જીસી 3039માં બેઠેલા સામે કાર્યવાહી કરવા ગાડીને રોકી હતી. તેમણે ટ્રકમાં બેઠેલા શખ્સોને પૂછતાં તેઓ રામપાલ છેગુસિંહ દુદાસિંહ રાવડા, રવિન્દર ચમનલાલ હિરાલાલ ખટીક તથા મનોજ માણેકલાલ બિહારીલાલ હોવાનું જણાવ્યું હતું. રાજ સોની અને તેમના અન્ય બે મિત્રોએ આઇસરમાં જોતાં 140 જેટલા નાનામોટા ભૂંડ ભરેલા હતા. પોલીસે શખ્સો અને ટ્રક ચેક કરી તેમની સામે પશુ ક્રુરતા અંગેનો ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.