દંડકીય કાર્યવાહી:સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારને પ્રથમ વખત 1000,બીજી વખત 5,000 દંડ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નોટિસનો ત્રણ દિવસનો સમયગાળો પૂર્ણ થયા બાદ પાલિકાની ટીમ તપાસ કરશે
  • પાટણ પાલિકા દ્વારા જથ્થાબંધ પ્લાસ્ટિકનું વેચાણ કરતાં 22 વેપારીઓ અને દુકાનદારો, હોટલ,રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ આપવાની કાર્યવાહી

પર્યાવરણ મંત્રાલય દ્વારા 1 જુલાઈ 2022થી સિંગલ યુઝ પ્લાસ્ટીકનાં ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે છતાં પાટણમાં તેના વપરાશ થઈ રહ્યો હોવાથી આખરે પાટણ નગરપાલિકા ઊંઘમાંથી જાગી છે અને સરકારનાં પ્રતિબંધાત્મક આદેશોનું ચુસ્ત પાલન થાય તે માટે તે ટુંક સમયમાં જ પાટણનાં પ્લાસ્ટીક ઉત્પાદકો, વપરાશકારો અને વેચાણકારો પર પગલાં લેવા માટે દુકાનદારોને નોટીસો ઇસ્યુ કરવા માટે તૈયાર કરી છે. જો પ્રતિબંધિત કરાયેલું પ્લાસ્ટીક ઝડપાશે તો રૂ.1000થી 5000 સુધીની દંડકીય કાર્યવાહી થશે.

પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ મામલે પાટણ નગરપાલિકાનું તંત્ર વેચાણકારો, દુકાનદારો, વપરાશકારો ઉપર ત્રાટકે તે પહેલા દુકાનદારો અને હોટેલ રેસ્ટોરન્ટના સંચાલકોને નોટિસ આપવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં પ્લાસ્ટીક સ્ટિક સાથેના ઇયરબડ્સ, ફુગ્ગા માટે વપરાતી પ્લાસ્ટીક સ્ટિક્સ, પ્લાસ્ટીકના ઝંડાઓ, આઇસ્ક્રીમ અને કેન્ડી સ્ટિક, પ્લાસ્ટીકની પ્લેટ, ગ્લાસ અને પ્લાસ્ટીકના સ્ટરર, પ્લાસ્ટીકની ચમચી તેમજ કાંટા ચમચી અને પ્લાસ્ટીકના ચાકુ, પ્લાસ્ટીકની સ્ટ્રો અને પ્લાસ્ટીકની ટ્રે નિયંત્રણ કાર્ડ તેમજ સિગરેટના પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મો, 100 માઇક્રોન કરતાં ઓછી જાડાઇના પીવીસી બેનર વિગેરે પ્રતિબંધિત પ્લાસ્ટીક હોવાથી દુકાનદારો દ્વારા આવા પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરાતું હોય તો નોટીસ મળેથી દિન- 3માં બંધ કરવા સુચના આપી છે.

નોટીસ બાદ સમયમર્યાદા પૂર્ણ થયેથી પાટણ પાલિકા દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાશે.જેમાં પાલિકાની ટીમને શહેરની દુકાન, હોટલ, રેસ્ટોરન્ટમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો જોવા મળશે તો દંડકીય કાર્યવાહી કરી પ્રથમ વખત રૂા. 1000 ત્યારબાદ પણ આવા પ્લાસ્ટીકનું વેચાણ થતું જોવા મળશે તો રૂ.5000નો દંડ અને સરકારના નિયમો પ્રમાણે જવાબદાર સામે કાયદેસરના પગલા લેવાશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...