ઉત્તર ગુજરાતમાં વધુ એક પ્રવાસન સ્થળ:સાંતલપુરના એવાલ પાસે ‘રણસફારી' બનશે, 2.70 કરોડનો પ્રોજેક્ટ આગામી 8 માસમાં તૈયાર કરાશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠામાં નડાબેટની જેમ પાટણ જિલ્લાની સરહદે પણ પ્રવાસન પોઇન્ટ ઊભો કરાશે
  • પ્રથમ તબક્કામાં પ્રવાસીઓને રહેવા-જમવા અને એડન્ચરની વ્યવસ્થા કરાશે, બીજા તબક્કામાં જિપ્સી મારફતે રણ સફારી માટેની વ્યવસ્થા કરાશે
  • એક હેક્ટર જમીનમાં પ્રવાસીઓને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા

બનાસકાંઠામાં નડાબેટની જેમ પાટણ જિલ્લાની સરહદે પણ પ્રવાસન પોઇન્ટ ઊભો કરાશે. એશિયાના સૌથી મોટા સાંતલપુરના ચારણકા સોલાર પાર્ક નજીક એવાલ ગામ પાસે રણસફારી બનાવાશે. રૂ.2.70 કરોડનો પ્રોજેક્ટ આગામી 8 માસમાં તૈયાર થઇ જશે અને રૂ.1.87 કરોડની ગ્રાન્ટ ફાળવી દેવાઇ છે. આ પ્રોજેક્ટથી પ્રવાસન સાથે સ્થાનિક લોકો માટે રોજગારીની મોટી તકો પણ ઊભી કરનારો બનશે.

સરહદી વિસ્તાર વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત સાંતલપુર તાલુકાના એવાલ ગામથી અડધો કિલોમીટર દૂર બે હેક્ટર જમીનમાં રણ સફારી પ્રોજેક્ટ મંજૂર કરાયો છે. તેના માટે મહેસૂલ વિભાગે જમીન વન વિભાગને ફાળવી દીધી છે. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. જેમાં પ્રથમ તબક્કામાં એક હેક્ટર જમીનમાં પ્રવાસીઓને રહેવા અને જમવા માટેની વ્યવસ્થા કરાશે. જ્યારે એક હેક્ટરમાં ગાર્ડન બાળ ક્રીડાંગણ અને પાર્કિંગ બનાવાશે. બીજા તબક્કામાં જિપ્સી મારફતે રણ સફારી માટેની વ્યવસ્થા કરાશે.

રણ સફારી માટે અંદાજે 37 કિલોમીટરનો સૂચિત રૂટ નક્કી કર્યો છે. જેમાં આસપાસના 5 સ્થળોનો સમાવેશ કરાયો છે. તેનો આખરી રૂટ ઈકો ટુરિઝમ કમિટી નક્કી કરશે. આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવા માટે 16 મેના રોજ પી.આર.પટેલ એન્ડ સન્સ ભાવનગરની કંપનીને વર્ક ઓર્ડર અપાયો છે. એટલે આગામી સમયમાં કંપની દ્વારા સુવિધાઓ ઉભી કરવા માટે કામગીરી શરૂ કરશે.

લોકો માટે રોજગારીની તકો ઊભી થશે
સાંતલપુર પંથકમાં હાલમાં કોઈ મોટું પર્યટન સ્થળ નથી જેના કારણે બહારથી પ્રવાસીઓની અવરજવર નથી સ્થાનિક લોકો ખેતી પશુપાલન અને સ્થાનિક ધંધા-રોજગાર પર આજીવિકા ચલાવી રહ્યા છે. પરંતુ રણ સફારી આ વિસ્તારનું સૌથી મોટું પ્રવાસન સ્થળ બનશે જેનાથી પ્રવાસીઓની આ વિસ્તારમાં અવર-જવર વધશે એટલે લોકોને રોજગારીની તકો ઉભી થશે અને સરહદી વિસ્તારના વિકાસ માટે ઉપયોગી બનશે. - બિન્દુબેન પટેલ, નાયબ વન સંરક્ષક પાટણ

પ્રોજેક્ટનું સંચાલન ઈકો ટુરિઝમ કમિટી કરશે
આ પ્રોજેક્ટ તૈયાર થઇ ગયા બાદ સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓના સંકલન સાથેની ઈકો ટુરિઝમ કમિટી બનાવાશે અને આ કમિટી સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન કરશે. તેની જાળવણી અને આવક સહિતની બાબતોનું સંચાલન કમિટી મારફતે થશે.

રહેવા-જમવા અને સફારીનો ચાર્જ કમિટી નક્કી કરશે
આ પ્રોજેક્ટ તૈયાર થઇ ગયા બાદ ઈકો ટુરિઝમ કમિટીને સંચાલન માટે સોંપી દેવાશે. આ કમિટી પ્રવાસીઓને રહેવા જમવા અને સફારી માટેનો ચાર્જ નક્કી કરશે. હાલમાં માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે.

(1)મુખ્ય પ્રવેશદ્વાર (2)પાર્કિગ (3)ગોળાકાર સ્ટેટસ સર્કલ (4)રિશેપશન અને શૌચાલય (5)અર્થઘટન કેન્દ્ર (6)એમ્ફીથિયેટર (7)બાળકો રમતના મેદાન (8)ગાઝેબો (9)રસોડું અને જમવાનું (10)સિંગલ કોટેજ (11)ડબલ કોટેજ (12)શયનગૃહ (13)ગાર્ડન બ્રિજ (14)ગાર્ડન સ્પેસ

સફારીપાર્ક નજીકના પર્યટન સ્થળો

વરૂડી માતા મંદિર10 કિમી
ઈશ્વરીયા મહાદેવ14 કિમી
ચારણકા સોલાર પાર્ક14 કિમી
સગત માતાજી મંદિર33 કિમી
સરગુડી માતા મંદિર37 કિમી
અન્ય સમાચારો પણ છે...