ચલો સ્કૂલ ચલે હમ:પાટણમાં આવતીકાલથી 1427 આંગણવાડીઓ અને બાલવાટીકાઓ ધમધમતી થશે

પાટણ6 મહિનો પહેલા
  • આંગણવાડી કેન્દ્રોમાં કાલથી ભૂલકાંઓનો કિલકિલાટ સંભળાશે
  • બાળકોને કોરોનાના નિયમોનું પાલન કરાવવામાં આવશે

કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતા રાજ્ય સરકારે તમામ આંગણવાડી અને પ્રિસ્કૂલ ખોલવા માટે મંજૂરી આપી છે. ત્યારે પાટણ જિલ્લામાં પણ 1427 આંગણવાડીઓ અને બાલવાટીકાઓ ફરી બે વર્ષ પછી ધમધમતી થશે.

સરકાર દ્વારા ગુરૂવારથી રાજ્યમાં આંગણવાડીઓ બાલમંદિરો અને નર્સરી, કેજીમાં બાળ કેળવણી શરૂ થઈ શકશે તેવી જાહેરાત કરતા છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી બંધ આંગણવાડીઓ અને પ્રિસ્કૂલને ફરીથી શરૂ થવાની છે.

પાટણ જિલ્લામાં આવેલી 1427 આંગણવાડી કેન્દ્રોમાં અભ્યાસ કરતા 90115 બાળકોનું શૈક્ષણિક કાર્ય ફરી રાબેતા મુજબ શરૂ થવાનું છે. જિલ્લામાં આવેલી 1427 આંગણવાડીઓમાં 1300 કાર્યકરો અને 1310 તેડાગર બહેનો ફરજ બજાવી રહી છે, ત્યારે હવે આ કેન્દ્રો શરૂ થતાં તેના બાળકો માટેની રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓની પણ અમલવારી શરૂ થશે.

સરકારની જાહેરાત બાદ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં સાફ સફાઈ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ સેનેટાઈઝ કરવા પણ સૂચના આપવામાં આવી છે અને સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજિયાત માસ્ક પહેરીને જ બાળકોને શાળામાં પ્રવેશ અપાશે તેમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...