કાર્યવાહી:શહેરની સિવિલ સહિત 4 હોસ્પિટલો,16 સ્કૂલોનાં પાણી અને ગટરનાં જોડાણ કપાશે

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફાયર સેફ્ટી એનઓસી નહીં લેતા પાટણ પાલિકા દ્વારા કાર્યવાહી
 • પાલિકાની ટીમ દ્વારા પ્રથમ દિવસે એક હોસ્પિટલ અને એક શાળાના કનેક્શન કપાતાં સંચાલકો અને ડૉકટરોમાં ફફડાટ

પાટણ શહેરમાં ફાયર સેફ્ટીની સુવિધા વગર ચાલતા હોસ્પિટલો તેમજ શાળાઓને નગરપાલિકા દ્વારા એન.ઓ.સી લેવા માટે નોટિસ આપવા છતાં સંચાલકો માલિક ગંભીરતા ના લેતા બુધવારે નગરપાલિકા દ્વારા નોટિસ આપેલ હોસ્પિટલો અને શાળાઓ મળી 20 સ્થળોના કનેક્શન કાપવા માટે પાલિકાની ટિમે કાર્યવાહી શરૂ કરી હતી. શહેરની જનરલ હોસ્પિટલ તેમજ અન્ય સરકારી સંસ્થાનોનો પણ સમાવેશ થાય છે.

રાજ્યમાં આગની દુર્ઘટનાઓમાં મોતની ઘટનાઓને રોકવા રાજ્ય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનિયમ 2013 મુજબ શાળા અને હોસ્પિટલોમાં ફરજિયાત ફાયર સેફ્ટીની સુવિધા રાખવા અને એન.ઓ.સી લેવા માટે આદેશ કરવામાં આવેલ હોય પાટણ નગરપાલિકા દ્વારા સર્વે બાદ ફાયર સેફટીની સુવિધા વગરના શહેરના હોસ્પિટલ અને સ્કૂલોને ફાયર સેફ્ટીની એન.ઓ.સી લેવા માટે નોટિસો આપવામાં આવી હતી.

નોટિસ બાદ પણ 4 હોસ્પિટલ અને 16 શૈક્ષણિક સંસ્થાના સંચાલકો દ્વારા એન.ઓ.સી લેવામાં ન આવતા નગરપાલિકા દ્વારા નિયમ મુજબ વીજળી, પાણી અને ગટરના કનેક‌શન કાપવા માટેની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસંધાને બુધવારે પાલિકાની ટીમ ફાયર સેફટી વગરના 20 સ્થળોના કનેક‌શન કાપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં સુભદ્રાનગરમાં ખાનગી હોસ્પિટલોના તેમજ હાંસાપુર વિસ્તારમાં સ્કૂલોના કનેક્શન આપવામાં આવ્યા હતા. તેવું ચીફ ઓફિસર પાંચાભાઈ માળીએ જણાવ્યું હતું.

સિવિલના સત્તાધીશો પણ અજાણ
પાટણ શહેરની જનરલ હોસ્પિટલ અને અન્ય લાયબ્રેરી અને વૉકેશનલ સેન્ટર જેવી સરકારી કચેરીમાં પણ ફાયર એનઓસી નથી તેઓ સામે આવ્યું છે જનરલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર અરવિંદ પરમારને સંપર્ક કરતા આ બાબત તેમના ધ્યાનમાં જ ન હોવાનું જણાવ્યું હતું.

આ સ્થળોના જોડાણ કાપવામાં આવશે

સ્કૂલોના નામ :

 • પી.એમ પટેલ ગુરુકુળ વિદ્યાલય,હાંસાપુર રોડ
 • એન.વી પ્રેરણા મંદિર સ્કૂલ, મહાદેવ નગર સોસાયટી
 • એમ.એન.દેસાઈ ગોપાલક હાઈસ્કૂલ ,ટીબી ત્રણ રસ્તા પાસે
 • લેઉવા પાટીદાર કેળવણી મંડળ , ટીબી ત્રણ રસ્તા પાસે
 • પાયોનીયર કિડજ , જીઈબી પાસે
 • સરદાર પટેલ ઉત્તેજક છાત્રાલય , ટીબી ત્રણ રસ્તા પાસે
 • 84 કડવા પાટીદાર સમાજ છાત્રાલય ,ટીબી ત્રણ રસ્તા પાસે
 • શ્રીમતી નાથુબેન ચંદુલાલ લલ્લુભાઇ સાંડેસરા ઉચ્ચતર માધ્યમિક શાળા , પદ્મનાથ ચોકડી
 • વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ,બગવાડા ગાંધી બાગ રોડ
 • પી કે કોટાવાલા વોકેશનલ સેન્ટર , બગવાડા ગાંધી બાગ રોડ
 • ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ છાત્રાલય મોટી ભાટિયા વાડ
 • ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ કેળવણી મંડળ છાત્રાલય , લીલીવાડી પાસે
 • મોટા મદ્રેસા, ભઠ્ઠીવાડો
 • સરકારી જિલ્લા પુસ્તકાલય, પારેવા સર્કલ પાસે
 • સાર્વજનિક પુસ્તકાલય , નગરપાલિકા સામે
 • અખિલ ભારતીય સમાજ સેવા સમિતિ , સ્ટેશન રોડ

હોસ્પિટલના નામ

 • હાર્ટ એન્ડ મેડિકલ હોસ્પિટલ ,બસ સ્ટેશન રોડ
 • જનરલ હોસ્પિટલ , મુખ્ય બજાર રોડ
 • દેવભૂમિ હાર્ટ એન્ડ મેડિકલ, બસ સ્ટેશન રોડ
 • અની હોસ્પિટલ, સુભદ્રાનગર
અન્ય સમાચારો પણ છે...