પાટણ શહેરમાં આવેલ કોલેજ રોડ પરના અંડરબ્રીજમાં વરસાદી પાણી નિકાલ માટે કોઇ પાઇપલાઈન કે વ્યવસ્થા ન હોય સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ રહેવાના કારણે વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી માટે અંડર બ્રિજમાં કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. પાટણ શહેરમાં કોલેજ રોડ ઉપર આવેલ એનજીએસ કેમ્પસમાં નર્સરીથી લઇ કોલેજ કક્ષામાં હજારો વિધાર્થીઓ અભ્યાસ અર્થે આવવા જવા માટે અંડરબ્રિજમાંથી પસાર થવું પડે છે.
શાળા કોલેજો આવેલ હોય મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો અવરજવર માટેનો મુખ્ય રસ્તો રેલવે લાઈન નીચે આવેલ અન્ડર બ્રિજમાંથી પસાર થતો હોય આ અંડર બ્રિજમાં ચોમાસાના પાણીના નિકાલ માટે કોઈ કાયમી વ્યવસ્થા કરાયેલ ના હોય પાણી ભરાતા મશીન મારફતે પાઇપલાઇન દ્વારા બહાર કાઢવામાં આવે છે.પરતુ ફરી સમાન્ય વરસાદ પડતાં જ ભરાઇ જાય છે. સોમવારે પડેલ સામાન્ય વરસાદમાં અંડર બ્રિજમાં પાણીથી ભરાઈ જતા બે દિવસથી પાણી ભરાયેલ છે. મંગળવારે વહેલી સવારે પાણીમાં ઝેરી સાપ જોવા મળતા પસાર થતાં વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓમાં ભારે ભય પ્રસર્યો હતો.
નગરપાલિકા કે વહીવટી તંત્ર દ્વારા સત્વરે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અંડર બ્રિજની અંદર કાયમી વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા ઊભી કરી સમસ્યા હલ કરવામાં આવે તેવી એન.જી.એસ સંસ્થા દ્વારા અનેકવાર લેખિતમાં રજૂઆતો કરી હોવા છતાં કાયમી નિરાકરણ ના આવતા વિદ્યાર્થીઓ છેલ્લા બે વર્ષથી આ સમસ્યા ભોગવી રહ્યા છે. સત્વરે પાણી નિકાલની કાયમી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અંડરબ્રિજ બંધ થતા યુનિવર્સિટી રોડ પર ટ્રાફિકજામ સર્જાય છે
શહેરમાં અડધો ઇંચ વરસાદ પડતા અંડરપ્રાસ સ્વિમિંગ પુલ બની જતા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને અંદરથી પસાર થવું શક્ય ન હોય યુનિવર્સિટી રોડ ઉપરથી કલેક્ટર કચેરીથી ફરીને આવવું પડે છે. એકમાત્ર યુનિવર્સિટી રોડ ખુલ્લો રહેતો હોય રેલવે પસાર થવા દરમિયાન ફાટક બંધ થતા ભારે ટ્રાફિકજામ થઈ જતાં વાહન ચાલકોને ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવે છે.
નગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે મોટર મૂકી પરંતુ ઝડપી નિકાલ નહીં
નગરપાલિકા દ્વારા અંડર બ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાઇપલાઇન ગોઠવી મોટર મારફતે પાણી બહાર કાઢવામાં આવે છે. પરંતુ પાઇપલાઇન મારફતે સંપૂર્ણ પાણી બ્રીજમાંથી ઝડપથી નિકાલ ન થતા એક બે દિવસ અંદર ભરાઈ રહેતા વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોને પસાર થવામાં હાલાકી ભોગવી પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.