પાટણની જીઆઇડીસીમાં આવેલી ગણેશ ટ્રેડર્સ નામની ઓઇલ ફેકટરીના માલિકે કામદા રીફાઇનરીના સોયાબીન તેલ બ્રાન્ડેડની મળતી ભળતી ડીઝાઇન અને કલાકૃતિવાળા કામના લખેલા લેબર લગાવી ગેરકાયદેસર કોપીરાઇટ કરી કરોડો રુપિયાનો વેપાર કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. જેથી ફરીયાદના આધારે ગાંધીનગર ક્રાઇમ બ્રાંચે આ ફેક્ટરીમાં રેડ કરતાં રૂપિયા 3,49,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાટણ શહેરના ચાણસ્મા હાઇવે માર્ગ પર આવેલી અંબિકા સોસાયટીમાં રહેતા અને જીઆઇડીસીમાં ગણેશ ટ્રેડર્સ નામની ઓઇલ ફેકટરી ધરાવતા રાજેશ રસીકલાલ મોદી દ્વારા છેલ્લા 20 વર્ષથી તેલના અલગ-અલગ બ્રાન્ડના નામે ડબ્બાઓમાં તેલ ભરી બ્રાન્ડેડ કંપનીના ભળતા લેબરો મારી કરોડો રુપિયાનો ગેરકાયદેસર ધંધો કરવામાં આવી રહ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.
તાજેતરમાં કામદા રીફાઇન્ડ સોયાબીન તેલ રજીસ્ટ્રેશન બ્રાન્ડેડ કંપનીની મળતી ભળતી ડીઝાઇન અને કલાકૃતિવાળી કામના લખેલા લેબલ વાળા સ્ટીકરો ડબ્બા પર લગાવી કામદા રીફાઇનના નામે લાખો રુપિયાનો વેપાર કરતા હોવાનું કંપનીના પ્રમોટર તરીકે ફરજ બજાવતા સંજ્ય પ્રહલાદભાઇ પટેલના ધ્યાને આવતા તેઓએ ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ ખાતે ફરીયાદ કરી હતી.
આ ફરિયાદના આધારે આજે ક્રાઇમ બ્રાંચની ટીમે ગણેશ ટ્રેડર્સ ઓઇલ ફેક્ટરી પર ઓચિંતી રેડ કરતા કામના લખેલ તેલના ડબ્બાના પેકીંગ કેપ નંગ 1500 તેમજ બ્રાન્ડેડ કંપનીને મળતી ભળતી ડીઝાઇનવાળા સ્ટીકર નંગ-15 હજાર અને તેલના ડબ્બા નંગ 120 સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રુપિયા 3,49,500નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કંપનીના નામનો ઉપયોગ કરી ગેરકાયદેસર રીતે કોપીરાઇટ કરવા બદલ રાજેશ રસીકલાલ મોદી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ ઇસ.1957 ની કલમ 51, 63, 64, 65 મુજબ કાયદેસર ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.