અધ્યાપકોમાં રોષ:પાટણની સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર માંગણીઓને લઈને ઉપવાસ પર ઉતર્યા

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આશરે એક દાયકા કરતા વધુ સમયથી સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત સરકારમાં કરવા છતાં તે પ્રશ્નોનું સરકાર દ્વારા નિરાકરણ નહીં લવાતા પાટણની સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો દ્વારા પ્રતિક ઉપવાસનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકોની પડતર માગણીઓ સંતોષવામા નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં અધ્યાપકો દ્વારા સરકારી કામગીરીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

એક મહિના ઉપરાંતના સમયથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે
સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે વિવિધ સ્તરે વારંવાર રજૂઆત
કરવા છતાં કોઈ હકારાત્મક ઉકેલ ન આવતાં સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો એક મહિના ઉપરાંતના સમયથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે. શિક્ષણ વિભાગના તાબા હેઠળ આવતા ઉચ્ચ શિક્ષણના અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ)નો લાભ આપવામાં આવ્યો છે. પરંતુ તેજ શિક્ષણ વિભાગના તાબા હેઠળના ટેકનીકલ શિક્ષણના અધ્યાપકો કે જે સરકારના કેટલાય કાર્યક્રમોને સફળ બનાવે છે. તેઓને સીએએસના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે.

અધ્યાપકો સેવામાં જોડાયા સમયના પગાર ધોરણમાં જ ફરજ બજાવે છે
સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો દ્વારા પોતાના પડતર પ્રશ્નો જેવા કે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (સીએએસ) તા. 01/01/2016 બાદ યોગ્યતા ધરાવતા અધ્યાપકોને સીએએસ હેઠળ ઉચ્ચતર પગાર ધોરણના લાભ આજદિન સુધી મંજૂર કરાયેલા નથી. 2010/2011માં સહાયક પ્રાધ્યાપક તરીકે સેવામાં જોડાયેલા અઘ્યાપકો આજે 12 વર્ષે બે-બે ઉચ્ચતર પગાર ધોરણ માટે લાયક હોવા છતા આજે પણ સેવામાં જોડાયા સમયના પગાર ધોરણમાં જ ફરજ બજાવે છે, વર્ગ-1 અને વર્ગ-2ના અધ્યાપકોને સ્વ વિનંતી બદલીના કિસ્સામાં સરકાર મૂકબધિર રીતે વર્તે છે. સામાન્ય વહીવટ વિભાગના વખતો વખતના ઠરાવ અન્વયે ગુજરાત સરકારના મોટાભાગના વિભાગોમાં સ્વ વિનંતી તેમજ પતિ-પત્નીના કિસ્સામાં બદલી થયેલી છે.

ટેકનીકલ શિક્ષણના અધ્યાપકોમાં ભારોભાર નિરાશા
માત્ર ટેકનિકલ શિક્ષણ વિભાગના અધ્યાપકોને જ આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. સરકારના આવા ભેદભાવ ભર્યા વલણને લીધે ટેકનીકલ શિક્ષણના અધ્યાપકોમાં ભારોભાર નિરાશા અને રોષ વ્યાપ્યો છે. વર્ષ 2012 બાદ અપવાદરૂપ અને ખાસ કિસ્સાઓને બાદ કરતાં આજે 10 વર્ષથી સરકારી ઇજનેરી કોલેજોની મોટાભાગની વિદ્યાશાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ -2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1)ની બઢતી પ્રક્રિયા હાથ ધરાઇ નથી. સહ પ્રાધ્યાપક (વર્ગ-1) સંવર્ગમાં અંદાજે 200 કરતાં વધારે જગ્યાઓ ખાલી હોઈ અને તેટલા જ પ્રમાણમાં લાયકાત ધરાવતા સહાયક પ્રાધ્યાપકો પણ ઉપલબ્ધ હોવા છતાં આ વિલંબથી તેમની શૈક્ષણિક કારકિર્દીને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે.

સરકાર દ્વારા આ બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે
એડહોક સેવા નિયમિત નિમણૂંક સાથે સળંગ શિક્ષણ વિભાગ હેઠળના જ ઉચ્ચ શિક્ષણ વિભાગના સરકારી આર્ટસ, કોમર્સ, સાયન્સ કોલેજોના અઘ્યાપકોને વર્ષો પહેલાં આ લાભ આપી દેવામાં આવ્યો છે, પરંતુ સરકારી ઇજનેરી કોલેજના અઘ્યાપકોને વર્ષોની રજૂઆત અને દરખાસ્તના અંતે પણ આ લાભ અપાયો નથી. હાલમાં જ નામદાર હાઇકોર્ટ દ્વારા પણ અલગ-અલગ કેસમાં આવા વીસથી વધુ અઘ્યાપકોને આ લાભ આપી દેવા સ્પષ્ટ આદેશ કર્યો છે. તેમ છતાં સરકાર દ્વારા આ બાબતે ઉદાસીન વલણ દાખવવામાં આવી રહ્યું છે.

ચિમકી ઉચ્ચારી
સમાનતા જેવા મૂળભૂત બંધારણીય અધિકારના હનન સમાન છે. ત્યારે અધ્યાપકોની ઉપરોક્ત માગણીઓ સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમા ગુજરાત રાજ્યની તમામ સરકારી ઈજનેરી કોલેજના અધ્યાપકો પ્રતિક ઉપવાસ સહિતના આંદોલનાત્મક કાર્યક્રમ ચાલુ રાખી સરકારની કામગીરીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...