પાટણ શહેરમાં માખણીયા ખાતે આવેલ ડમ્પિંગ સાઈટ ઉપર એકત્ર થયેલ તેમજ રોજેરોજ ઠલવાતાં ઘન કચરાના નિકાલ માટે પ્લાન્ટ સ્થાપવા સરકાર દ્વારા રૂ.1.88 કરોડ બજેટ ફાળવી આપ્યું હતું. પરંતુ તેના છ માસ પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે. વડોદરાની એજન્સી દ્વારા સર્વે કરાયા પછી આગળ કોઈ કાર્યવાહી થઈ નથી. સરકાર દ્વારા ફાળવેલ બજેટ ઘણું ઓછું હોવાથી કોઈપણ એજન્સી પ્લાન્ટ સ્થાપવા માટે ઉત્સુક ન હોવાનું પાલિકાના સુત્રોએ જણાવ્યું હતું.
શહેરના માખણીયા ખાતે આવેલ ડમ્પિંગ સાઈટ ઉપર છેલ્લા 20 વર્ષથી કચરો જમા થઈ રહ્યો છે જ્યાં હાલમાં 5 લાખ ટનથી વધારે કચરાનો એકત્ર થયેલો છે અને દરરોજ 45 ટન જેટલો કચરો શહેરમાંથી નીકળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને પાલિકા દ્વારા ગયા સપ્ટેમ્બર માસમાં લેગેસી વેસ્ટ પ્લાન્ટ સ્થાપવા માટે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરી ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી હતી જેમાં સ્વચ્છ ભારત મિશન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારીમાં રૂ. 1.88 કરોડ બજેટ મંજૂર કરાયું હતું. પરંતુ પ્લાન્ટ નાખવા માટે મશીનરીનો ખર્ચ જ રૂ.2.50 કરોડ જેટલો થઇ જાય છે. આવી સ્થિતિમાં કોઈપણ કંપની આવે તેવી શક્યતા ઓછી છે.આ પ્લાન્ટ સ્થાપવા માટે ઓછામાં ઓછા રૂ.30-40 કરોડના ખર્ચની જોગવાઈ જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા મંજૂર કરાયેલા લેગેસી વેસ્ટ પ્લાન્ટમાં જે એજન્સી રોકવામાં આવે તેણે ટ્રોમેક્સ મશીન, સ્ક્રિનિંગ મશીન, બાયો રેમીડિએશન પ્રોસેસ કરીને દરરોજ ઓછામાં ઓછું 300 ટન કચરાનો નિકાલ કરવાની અને પ્લાન્ટ શરૂ થયા પછી નવો કચરો એકઠો કરાય તો પ્લાન્ટની મંજૂરી રદ કરવાની પણ શરત છે.
ઈન્દોરની એજન્સી આવે તેવી શક્યતા જણાતી નથી
દેશના સૌ પ્રથમ સ્વચ્છ શહેરનું બિરુદ પામેલા મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જે એજન્સી કામ કરી રહી છે તેની પાસે ગુજરાતમાં વિવિધ પાલિકામાં કામ કરાવવા આયોજન થઇ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ આટલા નાના બજેટમાં એજન્સી પાટણ આવે તેવી શક્યતા જણાતી નથી. હાલની સ્થિતિમાં ટેન્ડર પ્રક્રિયા પણ ઘોચમાં પડેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.