હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 5 વર્ષ અગાઉ અંગ્રેજી વિભાગના વડા ડો.આદેશપાલની વિદ્યાર્થીનીની બદનામી કરતા પોસ્ટરો લગાવેલા મળી આવ્યા હતા. જે મામલામાં ગત વિધાનસભા ચૂંટણી અગાઉ હાલના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ અને તેમના ભાઈ ડો.દિલીપ પટેલ સામે છેડતીની ફરિયાદ થઈ હતી.જેને હાઇકોર્ટે રદ કરી દેતા તેની સામે સુપ્રીમ કોર્ટમાં જતાં સુપ્રીમ કોર્ટે પણ અપીલ ડિસમિસ કરી દેતા ડો. કિરીટ પટેલ અને દિલીપ પટેલે આખરે સત્યનો વિજય થયો છે તેવી પ્રતિક્રિયા આપી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ભવનો આસપાસ વિધાર્થીનીની બદનામી કરતા બેનરો લગાવવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી હતી. જેમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના બે દિવસ પૂર્વે હાલના પાટણના ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ અને તેમના ભાઈ ડૉ.દિલીપ પટેલ સામે બેનર લગાવીને બદનામી કરાઈ હોવાની ફરિયાદ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ભોગ બનનાર યુવતી દ્વારા દાખલ કરાઈ હતી.
જેની સ્થાનિક તપાસ થયા બાદ ફરિયાદી ગુજરાત હાઈકોર્ટમાં જતાં હાઈકોર્ટે પણ ફરિયાદ રદ કરી હતી જેના પગલે અરજદારે ગત મહિને સુપ્રીમમાં અપીલ કરી હતી જે અંગે સુનાવણી સોમવારે થતાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપીલ દાખલ ન કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
બે બે તપાસમાં કોઈ પુરાવો મળ્યો ન હતો
સમગ્ર ઘટના અંગે ડો.દિલીપ પટેલે કહ્યું કે ગુજરાત લોકાયુક્તમાં ભ્રષ્ટાચારના મામલે દોષી ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ.આદેશપાલ સામે ડો.કિરીટ પટેલે રજૂઆત કરી હતી. તેને પગલે ધારાસભ્ય ઉપર પૂર્વગ્રહ રાખી ફરિયાદ કરાઈ હતી. પરંતુ પોલીસને તપાસમાં કોઈ એવિડન્સ મળ્યા ન હતા જેને પગલે ફરિયાદ પક્ષ હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટના હુકમથી ફરીથી તપાસ કરાઈ હતી તેમાં પણ ફરિયાદમાં તથ્ય ન જણાતા હાઇકોર્ટે આ ફરિયાદ રદ કરી હતી. જેને પગલે ગત 21 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ પક્ષ દ્વારા અપીલ કરાઈ હતી.જોકે કોર્ટે પહેલી જ સુનાવણીમાં અપીલ ડીશમિશ કરી દીધી છે.
ખોટી ફરિયાદ અને માનહાની અંગે કાર્યવાહી કરીશું
ધારાસભ્ય કિરીટ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આખરે સત્ય સામે આવ્યું છે અને તેમનો વિજય થયો છે. આગામી દિવસોમાં અમારી સામે ખોટી ફરિયાદ કરવા અને માનહાની કરવા બદલ ફરિયાદી અને સાક્ષીઓ સામે કાર્યવાહી કરવા માટે વિચારીશું.
વકીલ સાથે ચર્ચા કરી આગળ વિચારીશું
અપીલ કરનાર અરજદાર મહિલાએ જણાવ્યું હતું કે આ કોઈ જજમેન્ટ નથી પરંતુ અપીલ કરી હતી જેને દાખલ કરાઈ નથી. આ સંજોગોમાં શું કરી શકાય કે અંગે અમારા વકીલ સાથે ચર્ચા કરીને આગળ વિચારીશું . મારી સાથે જે કંઈ થયું હતું તે મેં સહન કર્યું હતું અને અનુભવ્યું હતું તેની મને ખબર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.