પાટણ શહેર સહીત સમગ્ર જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નો વ્યવસાય કરતા લોકોને ઝડપી લેવાનો પોલીસ દ્વારા સિલસિલો શુક્રવારે પણ યથાવત રહેવા પામ્યો હતો. પોલીસ દ્વારા પાટણના રાધનપુર અને હારીજ માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે પાંચ શખ્સોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં પતંગ રસીયાઓ દ્વારા જેમ જેમ મકરસંક્રાંતિ પર્વ નજીક આવી રહી છે તેમ તેમ દોરી પતંગની ખરીદીઓ પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવી રહી છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા જિલ્લામાં ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધને દરગુજર કરી મોટી માત્રામાં ચાઈનીઝ દોરી નું વેચાણ કરાત હોવાની બાબતને લઈને પાટણ પોલીસ તંત્ર એલર્ટ બની આવા પ્રતિબંધિત દોરી નું વેચાણ કરતા વેપારીઓ ઉપર વોચ રાખી રહ્યા છે ત્યારે શુક્રવારના રોજ રાધનપુર પોલીસ દ્વારા બાતમીના આધારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નું વેચાણ કરતા ત્રણ શખ્સોને ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે ઝડપી લીધા હતા તો હારીજ પોલીસ દ્વારા પણ બે શખ્સોને ચાઈનીઝ દોરી નાં જથ્થા સાથે આબાદ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હારીજ પોલીસ દ્વારા ઝડપાયેલા બે શખ્સો પૈકી કિર્તીભાઇ બચુભાઇ દેવીપુજક રહે.હારીજ ધુણીયાવિસ્તાર અને અરવીંદજી ચંદુજી ઠાકોર રહે.હારીજ અંબીકાનગર વાળા પાસેથી ચાઇનિઝ દોરી નાં 31 બોકસ કિ.રૂ.8000 અને રાધનપુર પોલીસ દ્વારા ઝડપાયેલા શખ્સ પૈકી પટેલ પરેશ મુકેશભાઈ રહે.પરા માં પટેલ વાસ, રાજુ કનુભાઈ અને થાળકીયા કિશોર પ્રેમજીભાઈ રહે ગાંધી ચોક રાધનપુર વાળા પાસેથી ચાઇનિઝ દોરી નાં બોકસ નંગ 37 કિ.રૂ.9300 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.