પાટણ શહેરનાં આનંદ સરોવર નજીક પ્રગતિમેદાનની બહાર અને તેની સામેનાં ભાગેથી લઇને બી.એમ. હાઇસ્કૂલ, જનતા હોસ્પિટલ સુધીનાં વિસ્તારમાંથી ટૂંક સમયમાં તમામ છૂટક ઢગલા બજારને ઉચાળા ભરવા પડશે. કારણ કે, પાટણ નગરપાલિકાએ આજથી આ વિસ્તારમાં કોઈપણ ધંધાર્થીઓને હંગામી ધોરણે જગ્યા ભાડે નહિં આપવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય થવાનો હોવાથી આજે આ વિસ્તારનાં ઢગલા બજારનાં વેપારીઓ રજુઆતો માટે નગરપાલિકાની સામાન્ય સભામાં આવ્યા હતાં. આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખે પોતાની ઉપરોક્ત દરખાસ્ત રજુ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પાટણનાં આનંદ સરોવરની આગળ નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે લાગત લઇને ભાડેથી જગ્યા આપવામાં આવતી હોવાથી રાહદારીઓને અવરજવરમાં તકલીફ પડે છે. તેમજ જાહેર રોડ ઉપર ટ્રાફીકની સમસ્યા ઉભી થાય છે. જેથી અકસ્માત થવાની સંભાવના રહેલી છે.
જાહેર જનતાની સલામતિનાં ભાગરૂપે આનંદ સરોવરની આગળ નગરપાલિકા દ્વારા હંગામી ધોરણે લાગત લઇને જગ્યા ભાડે આપવી કે નહીં? તે અંગે નક્કી કરવા જણાવતાં તે અંગે સર્વાનુમતે આ બેઠકમાં ઉપરોક્ત નિર્ણય લઇને ઢગલા બજારને અત્રેથી બિસ્તરા પોટલા ભરવા અને હવે પછી જગ્યા ન ફાળવવાનો નિર્ણય કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.