રાજ્યના સ્થાપના દિવસને ઉજવણી માટે ફાટકથી આનંદ સરોવર રોડ તાબડતોબ બનાવ્યો હતો. મુખ્યમંત્રી આ રસ્તા ઉપરથી પસાર થવાના હોઈ પાલિકાની કાર્યરત એજન્સી મારફતે કામ કરાવી દેવાયું હતું.સરકાર દ્વારા ઈમરજન્સીમાં કામ તો કરાવી દેવાયું છે પરંતુ બે મહિના પછી હજુ તેની બિલની ચુકવણી થઈ નથી. સરકાર દ્વારા તેની ગ્રાન્ટ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ કામગીરી પછી કન્સલ્ટન્ટ અને એન્જિનિયર દ્વારા કેટલીક કવેરીઓ કાઢતા ચૂકવણી વિલંબમાં પડી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પાટણ ખાતે પહેલી મે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે રેલવે ક્રોસિંગ યશ પ્લાઝાથી પાલિકા બજાર, રેલવે સ્ટેશન, મધુકુંજ સોસાયટી, ગાંધીજીની પ્રતિમા ચોક થઈને બી એમ હાઇસ્કૂલ, આનંદ સરોવર સુધીના રસ્તાનું જરૂરી મેટલિંગ ડામરથી રિસરફેસિંગનું કામ કરવા માટે રાજ્યના કમિશનર અને જિલ્લાના કલેક્ટર દ્વારા સૂચના પાલિકાને આપી હતી જે કામગીરી માટે અંદાજિત ખર્ચ રૂ.76 લાખ અંદાજાયો હતો જેમાં સરકાર તરફથી ગ્રાન્ટ આવેથી ચુકવણું કરવાનું નક્કી કર્યું હતું.
આ કામગીરી તાકીદના ધોરણે અને સમય મર્યાદામાં કરવાની હોવાથી ઓનલાઇન ટેન્ડરિંગ કરવામાં સમય જાય તેમ હોવાથી મહેસાણાની નાગોરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ એજન્સી પાસે એસઓઆરના ભાવથી કરાવ્યું હતું. જેની ચુકવણી માટે સરકારની ગ્રાન્ટ હજુ ન આવતાં ચૂકવણી અટવાઈ પડી છે. નગરપાલિકાની તાજેતરની સામાન્ય સભામાં ચૂકવણી અંગેની હકીકત લાવવામાં આવી હતી જેને સભ્યો દ્વારા મંજૂર રાખી હતી.
રોડ નવો બનતા રાહત થઈ પણ સમથળ ન હોઈ પાણી ભરાવાની સમસ્યા ચાલુ રહી
અત્રે નોંધનીય છે કે મુખ્યમંત્રી આવતા ધોરીનસ સમાન મુખ્ય રસ્તો ડામરથી સારો બની ગયો તેથી વાહન વ્યવહારમાં રાહત થઈ છે.જોકે તેમ છતાં સિધ્ધરાજ સોસાયટી સર્કલ, પાલિકા બજાર, બેંક પાસે અને કેટલીક જગ્યાએ રોડ સમતલ ન હોવાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા બની રહી છે. કન્સલ્ટન્ટ અને એન્જિનિયર દ્વારા જે કવેરીઓ કાઢવામાં આવી હતી તેમાં રોડનું લેવલ ન હોવું તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણા જેવા મુદ્દા પણ આવી જતા હોવાનું પાલિકાના કોર્પોરેટરો દ્વારા જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.