પાટણના મોતીસા દરવાજાથી ચમકુ઼ડ બહુચર માતાજીના મંદિર તરફનાં માર્ગ બસ્માર હાલતમાં છે. માર્ગ પર છેલ્લા કેટલાય દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે. જેને લઈ વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે.
રાહદારીઓ સહિત વાહનચાલકોને હાલાકી
પાટણ નગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરીને ચોમાસા પૂર્વે પ્રિ મોન્સુનની કામગીરી કરવામાં આવી હોવાનું જણાવી રહી છે, પરંતુ ચોમાસું શરૂ થતાની સાથે જ પાલિકા દ્વારા પ્રિ મોન્સુન પાછળ કરાયેલા લાખો રૂપિયા નિરર્થક વેડફાયા હોય તેવી પરિસ્થિતિનું ઠેર-ઠેર નિર્માણ થતું હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી શહેરના મોતીસા દરવાજાથી ચમકુડ બહુચર માતાજીના મંદિર તરફ જવાના માર્ગની હાલત બદતર છે. આ વિસ્તારના રહીશો સહિત માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોએ પાલિકાના કોર્પોરેટરોને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજું સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
પાટણ શહેરમાં રોડ, રસ્તા, સફાઈ, દૂષિત પાણી, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી અનેક સમસ્યાઓ વારંવાર સર્જાતી હોય છે. ત્યારે શહેરના મોતીસા દરવાજાથી ચમકુડ બહુચર માતાજીના મંદિર જવાનાં માર્ગની દુર્દશા અને માર્ગ પર ભરાયેલા પાણીની સમસ્યાનો આ વિસ્તારના રહીશો સહિત રાહદારીઓ અને વાહનચાલકો છેલ્લા ત્રણ મહિનાથી સામનો કરી રહ્યા છે.
પાલિકાની કામગીરી સામે અસંતોષ
આ બાબતે વિસ્તારના કોર્પોરેટરોનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. જોથી લોકોમાં પાલિકાની કામગીરી સામે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા સત્તાધીશો દ્વારા શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ મામલે સજાગ બને તેવી માગ પ્રબળ બની છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.