સંભાવના:પાટણના પમ્પિંગ સ્ટેશનમાં વધારાની મોટર લગાવાતાં પાણી ભરાવાની સમસ્યા હલ થશે

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્મભૂમિ સોસાયટી તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ રહેતાં રહીશો પરેશાન
  • વધારાની મોટર મુકવા જીયુડીસીમાં પાલિકાએ દરખાસ્ત કરી, સપ્તાહમાં નિકાલ થશે

પાટણમાં સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ નજીક બહુચર માતા મંદિર પાછળ આવેલ ભૂગર્ભ ગટરનું પાણી ખેંચવા માટેના પંપીંગ સ્ટેશનમાં મોટર દ્વારા પૂરેપૂરું પાણી ખેંચી ન શકતાં પાણી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાછું પડીને ભરાઈ રહેવાની સમસ્યા જટિલ બની છે ત્યારે પંપીંગ સ્ટેશન ઉપર વધારાની મોટર મુકવા માટેની પાલિકાની દરખાસ્ત જી.યુ.ડી.સીમાં મંજૂરી ના આખરી તબક્કામાં છે અને આગામી એકાદ અઠવાડિયામાં વીજભાર વધારવા માટેની દરખાસ્ત મંજૂર થઈ જશે તેમ ભૂગર્ભ ગટર શાખા સમિતિના ચેરમેન જયેશ પટેલે જણાવ્યું હતું.

બહુચર પંપીંગ સ્ટેશનમાં આખા શહેરનું ભૂગર્ભ ગટરનું પાણી એકઠું થાય છે ત્યાંથી મોટર દ્વારા ે માખણીયા તળાવમાં નિકાલ કરાય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી 100 હોર્સ પાવરની વીજળી મોટર તમામ પાણી નિકાલ કરી શકતી ન હોય ત્યાંથી પાણી પાછું પડીને કર્મભૂમિ સોસાયટી તેમજ અન્ય વિસ્તારોમાં ભરાઈ રહેતાં રહીશો પરેશાન થઈ રહ્યા છે.

આ પ્રશ્નના નિકાલ માટે પાલિકા દ્વારા વીજભાર વધારવા જી.યુ.ડી.સીમાં દરખાસ્ત કરાઈ હતી. હાલમાં વિજભારણ બમણું થઇ જતા અવારનવાર મોટર બળી જવી, પેનલ બોર્ડ બગડી જવું, પાઈપલાઈન તૂટી જવી જેવી સમસ્યાઓ સર્જાઇ રહી છે તેમ શાખા અધિકારી કિર્તીભાઈ પટેલે જણાવ્યું હતું.

ભૂગર્ભ ગટર શાખાના ચેરમેન જયેશભાઇ પટેલે જણાવ્યું કે જી.યુ.ડી.સીમાં રૂબરૂ જઇને વીજભાર વધારવાની દરખાસ્ત મંજુર કરવા માટે રજૂઆત કરી છે. અને એકાદ અઠવાડિયામાં એપ્રુવલ મળી જશે તે પછી પંદર દિવસ જેટલા સમયમાં નવી મોટર કાર્યરત થઇ જવાની અને પાણી ભરાવાની સમસ્યા દૂર થવાની સંભાવના તેમણે દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...