એક તરફ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાંથી અસામાજિક પ્રવૃત્તિઓને ડામી દેવા તત્પર બન્યા છે. ત્યારે જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનના અધિકારીઓની રહેમ નજર તળે દેશી વિદેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા બુટલેગરો ખુલ્લેઆમ અસામાજિક પ્રવૃત્તિઓ પોલીસના ભય વગર કરતા હોવાની સ્થાનિકો દ્વારા બૂમરાણ ઉઠવા પામી છે. જેમાં ગઈકાલે ગુરૂવારે રાત્રીના સુમારે જિલ્લાનાં તાલુકા મથક હારીજ શહેરના તળાવ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ કરાતા દારૂના વ્યવસાયને લઈને આ વિસ્તારના રહીશોએ પોલીસ મથકે ધસી ગયાં હતાં. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને સાથે રાખી સ્થાનિકોએ હારીજ પોલીસ મથકે હોબાળો મચાવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
મહિલાઓ સહિતનું ટોળું હારિજ પોલીસ મથકે ધસી ગયું
સૂત્રો અનુસાર હારીજમાં તળાવની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ કરતાં બુટલેગરોને નસિયત કરવા આ વિસ્તારના રહીશો દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં લેખિત અને મૌખિક રજૂઆત છતાં હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધીકારી સહિતના સ્ટાફ દ્વારા બુટલેગરોને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવતું હોય તેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી. જેથી બુટલેગરોએ દેશી દારૂનું વેચાણ ચાલુ રાખતાં આ અસામાજિક પ્રવૃત્તિથી વાઝ આવી ગયેલા વિસ્તારના રહીશો સહિત મહિલાઓનાં ટોળાઓએ ગુરૂવારે રાત્રે હારીજ પોલીસ મથકે હંગામો મચાવ્યો હતો. તેમજ આ અસામાજિક પ્રવૃત્તિ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ
એક તરફ પાટણ જિલ્લાના પોલીસ વડા વિજય પટેલ શહેર સહિત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ કરવા કટીબદ્ધ બની જિલ્લામાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓની જાણ માટે સ્પેશ્યલ હેલ્પલાઇન નંબર જાહેર કરી લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે હારીજ પોલીસને અસામાજિક પ્રવૃત્તિઓ મામલે રહિશો દ્વારા કરવામાં આવેલી અનેક લેખિત અને મૌખિક રજૂઆતો છતાં હારીજ પોલીસ દ્વારા આવા સમાજિક તત્વો સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ નહીં ધરાતી હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા પોલીસ વડા એ રહિશોની આ રજૂઆત મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ રહિશોમાં ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.