નગરપાલિકાને સરકાર દ્વારા મળતી વિકાસ લક્ષી ગ્રાન્ટો ખાતામાં જમા પડી હોય તેના વ્યાજની રકમમાંથી પાલિકાનું નવીન ભવન તો બની ગયું છે પણ જે તે સમયે જૂનું મકાન ખાલી થતાં તેનું નવીનીકરણ કરવા અને તેને ઉપયોગમાં લાવવા માટે આયોજન કર્યું હતું. જોકે,તે પછી નવી ચૂંટણી જાહેર થતાં તેમાં વ્યસ્તતા વધી જતા તે દિશામાં આગળ કોઈ કાર્યવાહી થઈ શકી ન હતી અને આજે જૂનું મકાન બિનઉપયોગી બની રહ્યું છે.
નગરપાલિકાની અગાઉની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ બહુમતી સાથે સત્તામાં આવ્યો હતો પરંતુ તેમાં ભાગલા પડતાં મહેન્દ્રભાઈ પટેલ અને તેમનું જૂથ ભાજપમાં સામેલ થઈ જતાં તેમના પ્રમુખ પદે ભાજપની સત્તા આવી હતી. મહેન્દ્રભાઈ પટેલે તેમના કાર્યકાળ દરમ્યાન વ્યાજમાંથી નવું ભવન બનાવવાનું આયોજન કરાયું હતું અને ઝડપથી મંજૂરી અને અમલીકરણ થતા નવીન ભવન તૈયાર થઈ ગયું હતું. જે હાલમાં કાર્યરત છે. પરંતુ જુનું મકાન હાલના સત્તાધીશોના વિકાસ આયોજનમાં વિસરાઈ ગયું છે.
સમિતિના ચેરમેનોની બેઠક વ્યવસ્થાનું આયોજન હતું
આ અંગે તત્કાલીન પાલિકાપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે જે તે સમયે અંદાજે રૂ. 25થી 30 લાખનું એસ્ટીમેન્ટ તૈયાર કર્યું હતું. જુના ભવનમાં અલગ-અલગ સમિતિના ચેરમેન માટે બેઠક વ્યવસ્થા કરવાનું આયોજન હતું. ઉપરાંત હાલના નવા ભવન સામે જે જૂની રૂમો આવેલી છે ત્યાં ભૂગર્ભ શાખા તેમજ રેકોર્ડ શાખા બેસે છે તેને પણ નવીન બનાવી નીચે પાર્કિંગ બનાવી શકાય અને બંને ભવનને નાના પુલ દ્વારા જોડવાનું આયોજન હતું.
અમારા ધ્યાનમાં નથી પણ ચર્ચા કરી યોગ્ય કરાશે :ઉપપ્રમુખ
અત્રે નોંધનીય છે કે નવા બોર્ડના વિકાસ માટેના આયોજનમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો નથી. આ અંગે નગરપાલિકા ઉપપ્રમુખ ધર્મેશ પ્રજાપતિનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે આ બાબત અમારા ધ્યાનમાં નથી પણ મહેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા કરીને તેમનું આયોજન જાણીશું અને શક્યતા ચકાસી ઘટતું કરવામાં આવશે.
સુધરાઈ કચેરી 81 વર્ષ પહેલા 21 હજારના ખર્ચે બની હતી
નગરપાલિકા કચેરીનુ જૂનું મકાન સંવત 1997, સન 1941માં આઝાદી પહેલાં બન્યું હતું. તે રૂ.21 000ના ખર્ચે તૈયાર થયું હતું. આ ભવનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ચિફ ઓફિસર, ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટની ચેમ્બરો, સ્ટ્રીટલાઈટ ,સ્વચ્છતા ,જન્મ મરણ શાખા નીચે હતી. ઉપરના માળે સભાખંડ આસપાસ વહીવટી, બાધકામ અને અન્ય શાખાઓ બેસતી હતી. ટાઉન પ્લાનિંગ અને હિસાબી શાખા,વેરા શાખા અલગથી બનાવેલા ભવનમાં બેસતી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.