પાણીની પારાયણ:પીપરાળાના લોકો તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરના  પીપરાળા ગામના લોકો ઉનાળાની શરૂઆતે જ તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા. - Divya Bhaskar
સાંતલપુરના પીપરાળા ગામના લોકો ઉનાળાની શરૂઆતે જ તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા.
  • નલ સે જલ અંતર્ગત સાંતલપુર તાલુકામાં 80 કરોડના ખર્ચે પાણીની એક્સપ્રેસ લાઇન નાખી પણ જોડાણ આપ્યા નથી
  • જૂની લાઈનમાં 3 મહિનાથી પાણી ન આવતું, ગામમાં આવેલી પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં હોઈ ગામજનોને હાલાકી
  • નલ સે જલ યોજના પોકળ : ઉનાળાની શરૂઆતમાં પાણી માટે રઝળપાટ

સાતલપુર તાલુકાના છેવાડાના પીપરાળા ગામે ઉનાળાની શરૂઆતે જ લોકો તળાવનું દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. નલ સે જલ યોજના અંતર્ગત ગામમાં પાણીની નવી પાઈપલાઈન નાંખી છે પણ આજદિન સુધી જોડાણ આપ્યા નથી. જ્યારે જૂની પાઈપલાઈનમાં પાણી ત્રણ મહિનાથી આવતું નથી જેને લીધે પાણીની ભારે હાલાકી ભોગવવી પડે છે.

પાટણ જિલ્લામાં નલ સે જલ યોજનાની કામગીરી 100 ટકા પૂર્ણ કરી ઘરે-ઘરે નલ સે જલ મળ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. સાંતલપુર તાલુકામાં 80 કરોડના ખર્ચે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે પાઇપલાઇન નાંખવામાં આવી છે.પીપરાળા ગામ સુધી બે-ત્રણ મહિનાથી પાઇપલાઇન નાંખવામાં આવી છે પણ જોડાણ આપવામાં આવ્યા નથી.જોકે તેનાથી પાણીની સમસ્યા હલ થઈ જવા પામી નથી. ગામમાં પાણીની ટાંકી છે તે પણ જર્જરિત હાલતમાં છે. ટાંકીમાં પાણી ભરવામાં આવે તો ટપકે છે.

ગામ તળાવ ખાલીખમ પડ્યું છે તેના ખાબોચિયામાંથી દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે. મહિલાઓને પાણી માટે બેડા માથે ઊંચકીને આમથી તેમ ભટકવું પડે છે. જે વ્યક્તિ સક્ષમ છે તે રૂ. 1200 ખર્ચીને આડેસરથી પાણીનું ટેન્કર મંગાવે છે ત્યારે જે પરિવારો સક્ષમ નથી તે પરિવારોને તળાવના ખાબોચિયાનું દૂષિત પાણીથી ચલાવવું પડી રહ્યું છે.ગામમાં ચારથી 5 હજાર જેટલા પશુઓ છે જ્યારે માણસોને પીવાનું પાણી મળતું નથી તો પશુઓને શું પીવડાવવું તેવી ચિતાં વ્યક્ત કરી હતી. સત્વરે તંત્ર દ્વારા પાણીની સમસ્યા હલ નહીં કરવામાં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરાશે તેવી ચીમકી ગામલોકોએ ઉચ્ચારી હતી.

પાણીની સમસ્યા હલ નહીં થાય તો આવનારી ચૂંટણી બહિષ્કાર કરીશું: સરપંચ
પાટણ ખાતે એપીએમસી હોલમાં જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નલ સે જલ યોજનાની 100 ટકા કામગીરી પૂર્ણ થયાની વાહવાહી લીધી હતી પરંતુ દિવ્યભાસ્કર દ્વારા પીપરાળા ગામે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત પાણીની નવી પાઈપલાઈનને જોડાણ આપ્યુ નથી. સરપંચ મયુરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ પાણીની સમસ્યા હલ નહીં થાય તો આવનારી વિધાનસભાની ચૂંટણીનો સમસ્ત ગામ બહિષ્કાર કરીશું.

વ્યક્તિ દીઠ 70 લિટર પાણી આપીએ છીએ: તંત્ર
સાંતલપુરના પાણી પુરવઠા અધિકારી જે.બી.પટેલના જણાવ્યા મુજબ અમે પાઈપલાઈન મારફતે વ્યક્તિ દીઠ 70 લિટર પાણી આપીએ છીએ.અમે પીપરાળામાં પૂરતું પાણી આપીએ છીએ તેમ કહ્યું હતું.

પાણીમાં ફટકડી નાખી ઉપયોગ કરીએ છીએ : ગામની મહિલાઓ
તળાવમાં પાણી ભરવા માટે આવેલી મહિલાઓને પૂછતાં જણાવ્યું કે તળાવના પાણીમાં ફટકડી નાખીને પડી રાખશું એટલે ધૂળ વગેરે નીચે બેસી જશે તે પછી ઉપયોગ કરવા જેવું થશે. બહારથી પાણી મળશે તો તે પીશુ.

રાણીસરમાં આજે પણ પાણી નથી આવ્યું
રાણીસર ગામના જબ્બર ભાઈ સિંધીએ ટેલિફોનથી જણાવ્યું કે ગામમાં પાણીની સમસ્યા છે તે છપાયા પછી આજે પણ પાણી મળતું થયું નથી તંત્ર દ્વારા ઝડપથી કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...