પાટણની ચીફ જ્યુડીસીયલ કોર્ટે ચેક રિટર્નનાં એક કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ કરતાં બમણી રકમ રૂા. 12,10,000નો દંડ ફટકાર્યો હતો. તેમજ જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા કરવાનો આદેશ કર્યો હતો.
આરોપી જે રૂપિયા 12,10,000 દંડ પેટે જમા કરાવે તો તે જમા થયેથી તેમાંથી ફરીયાદીને વળતર તરીકે અપીલ સમય વિત્યા બાદ ચૂકવવાનો આદેશ કરાયો હતો. જો આરોપી ઉપરોક્ત રૂ।. 12,10,000ની દંડની રકમ જમા ન કરાવે તો ફરીયાદી વસૂલાત માટે કાર્યવાહી કરી શકશે અવો આદેશ કર્યો હતો. આ કેસની મળતી માહિતી મુજબ પાટણની જ્વાળામુખીની પોળમાં રહેતા મીરાબેનના પતિ રોહિતભાઈ પારેખ તથા આરોપી દર્શન જતિનભાઈ બારોટ રે. મોકમપુરા તા. વડાલી, જિ. સાબરકાંઠા વચ્ચે મિત્રાચારી હતી. દર્શનભાઈ બારોટને 2014નાં જૂન માસમાં પાંચ મહિના માટે રૂ।. 10 લાખની ધંધાર્થે નાણાંની જરૂર પડતાં દર્શનભાઇએ તેમનાં મિત્ર રોહિતભાઇ પારેખ પાસે ઉછીનાં પૈસાની માંગણી કરતાં રોહિતભાઇએ દર્શનભાઇનાં બેંક ખાતામાં ઓનલાઇન અલગ અલગ તારીખે 6 વખત રૂા. 8,10,000ની રકમ જમા કરાવી હતી. જેની અવેજમાં દર્શનભાઇએ મીરાબેન પારેખનાં સૂરતની બેંકના ખાતામાં 2015માં અલગ અલગ દિવસે રૂ।. 2,05,000 જમા કરાવીને ચૂકવ્યા હતાં. તેમજ રૂા. 6,05,000ની રકમ ચૂકવવાની બાકી હતી. જેની ઉઘરાણી કરતાં દર્શનભાઇએ તા. 6-11- 2017નો ચેક મીરાબેનને આપતાં તેઓએ તા. 18-11-17નાં રોજ પાટણની સરદાર બેંકનાં ખાતામાં જમા કરાવ્યો હતો. પરંતુ દર્શનભાઇનાં ખાતામાં પૂરતુ બેલેન્સ ન હોવાથી ચેક પરત ફરતાં મીરાબેન પારેખે તેમનાં એડવોક્ટ ગોવિંદભાઈ કે. પંચાલ મારફત નોટીસ આપી બાદમાં પાટણની કોર્ટમાં નેગોશિયેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 મુજબ ફરીયાદ દાખલ કરી હતી.
જે કેસ પાટણની ચીફ જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે બંને પક્ષોની રજૂઆત સાંભળી આરોપી દર્શનભાઈને એક વર્ષની કેદ અને રૂા. 12.10 લાખનો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ભરપાઈ થાય તો તેમાંથી ફરીયાદીને વળતર ચૂકવવા કોર્ટ આદેશ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.