અનલોક:પાટણમાં બુધવારથી બજાર બપોર પછી બંધ રહેશે

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બજાર બંધ રાખવા અંગે નિર્ણય લેવા વેપારીઓની બેઠક મળી હતી - Divya Bhaskar
બજાર બંધ રાખવા અંગે નિર્ણય લેવા વેપારીઓની બેઠક મળી હતી
  • અનલોકમાં કોરોના સંક્રમણ વધતાં બજાર બંધ રાખવાનો વેપારીઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો

પાટણ શહેરમાં કોરોનાનો કહેર વધતાં વેપારીઓ ચિંતિત બન્યા છે. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે બુધવારથી બપોરે 2:00 બાદ બજારો બંધ રાખવાનો વેપારી સંગઠનો દ્વારા સ્વેચ્છાએ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લામાં કોરોનાના સોમવારે વધુ 9 કેસ નોંધાતા જિલ્લામાં કુલ આંક 280 એ પહોંચ્યો જ્યારે પાટણ શહેરનો આંક 132 એ પહોંચ્યો છે. આ રીતે જોઇઅે તો જિલ્લાના કુલ કેસના 47 ટકા કેસ પાટણ શહેરમાં જ નોંધાયા છે. 

જિલ્લામાં કોરોનાના સૌથી વધુ પાટણ શહેરમાં 133 કેસ થયા છે. લોકલ ચેપ પ્રસરતાં સંક્રમણ વધવાની શક્યતાઓ વધી રહી છે. ત્યારે સોમવારે વેપારી મહામંડળ અને પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા કરિયાણા, કાપડ, રેડિમેડ, બુકસ્ટોર વાસણ હાર્ડવેર, અનાજ બજાર, જ્વેલર્સ, કટલરી બુટ ચપ્પલ અને મીઠાઇ ફરસાણ સહિતના વિવિધ વેપારી એસોસિએશનના આગેવાનોની પ્રાંત કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં કોરોના સંક્રમણ વધે નહીં તે માટે બુધવારથી પાટણ શહેરમાં બપોરે 2:00 વાગ્યા બાદ તમામ બજારોની દુકાનો બંધ રાખવાનો વેપારીઓએ સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો. જેમાં રહેઠાણ વિસ્તારોમાં આવેલી દુકાનો બંધ રાખવાનું નક્કી કરાયું હતું. જોકે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો છે. તેવું પાટણ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સુરેશભાઈ સી પટેલે જણાવ્યું હતું.

આ અંગે પ્રાંત અધિકારી સ્વપ્નીલખરેએ જણાવ્યું કે પાટણ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તે બાબતે વેપારીઓને સમજાવી રહ્યા હતા તે દરમિયાન વેપારીઓએ ચર્ચા કરીને સ્વેચ્છાએ બુધવારે બપોરે 2 વાગ્યાથી બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...