તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વ:પાટણના ત્રિસ્તુતિક ઉપાશ્રયમાં સોમવારથી જૈન ધર્મના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું વાંચન થશે

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે, જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છેઃ ચારિત્રરત્ન વિજય
  • પર્યુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધના ઉત્સાહ અને ઉમંગના વાતાવરણ ચાલી રહી છે

પાટણના ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય જયન્તસેન સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્રરત્ન વિજયજી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણરત્ન વિજયજી મહારાજ આદિ ઠાણાની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની આઠ દિવસીય આરાધના ઉત્સાહ અને ઉમંગના વાતાવરણ માં ચાલી રહી છે.

પર્યુષણ પર્વનો મુખ્ય સંદેશ જગત માત્રના જીવો સાથે મૈત્રી સાધવાનો
પર્વના ત્રીજા દિવસે મુનિરાજ ચારિત્રરત્ન વિજયજી મહારાજે જણાવ્યું કે, જીવનને પવિત્રતાથી ભરી દેનારું પર્વ એટલે શ્રીપર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ, પાપોથી પાછા ફરી શુદ્ધ આત્મપ્રદેશ તરફ પગલા ભરવાના નિર્મળ અનુષ્ઠાન સમા શ્રીપર્વાધિરાજ પર્યુષણા મહાપર્વની આરાધના સ્વ-પરનાં હિત-કલ્યાણને સાધી આપનારી છે. આ મહાપર્વમાં જેટલી ભૂમિકા સ્વ જીવનની છે, તેટલી જ ભૂમિકા સમગ્ર જીવસૃષ્ટિની પણ છે, પર્યુષણ પર્વનો મુખ્ય સંદેશ જગત માત્રના જીવો સાથે મૈત્રી સાધવાનો છે.

કલ્પસૂત્રનું વાંચન બુધવાર સુધી ચાલશે
મૈત્રી વ્યવહારશુદ્ધિ અને મનશુદ્ધિ વગર પ્રાપ્ત થતી નથી, એટલા માટે જ પર્યુષણ પર્વને આધ્યાત્મિક પર્વ કહ્યું છે. મુનિરાજે કહ્યું કે લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે. જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે, ત્રિસ્તુતિક જૈન સંઘના અગ્રણીઓએ જણાવ્યું કે, સોમવારથી જૈન ધર્મના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રના વાંચનનો પ્રારંભ થશે જે બુધવાર સુધી વંચાશે, પર્યુષણ પર્વના કાર્યક્રમ વિશે કહ્યું કે, પર્યુષણમાં જિનાલયોમાં ભગવાનની પૂજા, સેવા અને સ્મરણ કરવામાં આવે છે.

ઉપવાસનો સમયગાળો 1થી લઈ 30થી અધિક દિવસનો હોય છે
ઉપાશ્રયમાં સાધના આરાધના અને પ્રવચન શ્રવણ કરવામાં આવે છે, આ પર્વના દિવસોમાં તપનું અનેરૂ મહત્વ છે. તેમાં આયંબિલ એકાસણા ઉપવાસ આદિની તપસ્યા કરવામાં આવે છે, ઉપવાસ દ્વારા વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે સ્વયંને તપસ્યા માટે સમર્પિત કરે છે. પર્યુષણમાં ઉપવાસનો સમયગાળો 1 દિવસથી લઈ 30 દિવસથી અધિક સુધીનો હોય છે.

45 દિવસથી એકાસણાની તપસ્યા કરી રહેલા ગુરુ સેવકનું સન્માન
જેમાં સૂર્યોદયથી લઈ સૂર્યાસ્તની વચ્ચે માત્ર ઉકાળેલું પાણી જ ગ્રહણ કરી શકાય છે. પર્યુષણ પર્વને લઈને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં નગરપાલિકા પ્રમુખ સ્મીતાબેન પટેલ પધાર્યા અને મુનિરાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રવચન શ્રવણ કર્યું તેમજ જૈન સંઘ અને તપસ્યાં કરી રહેલા ભાઈ-બહેનોને પર્યુષણની શુભકામના પાઠવી, ત્રિસ્તુતિક જૈન સંઘ વતી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે મુનિરાજના સાનિધ્યમાં રહી 45 દિવસથી એકાસણાની તપસ્યા કરી રહેલા ગુરુ સેવક શુભમ રાજપુત ઉર્ફે પીન્ટુનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...