સિદ્ધપુર તાલુકાના કાકોલી ગામના માત્ર અઢી માસના બાળકનું હ્રદયનું ઑપરેશન અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતુ. કાકોશી ખાતે રહેતા ફહદ અસામદીના ઘરે ગત ઓક્ટોબરમાં પારણું બંધાયું હતું. એકાદ મહિના બાદ બાળકના માતા-પિતાને ધ્યાનમાં આવ્યું કે મહોમદને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે. નવજાત શિશુઓના આરોગ્ય સંબંધી માહિતી મેળવતા સમયે આંગણવાડી વર્કરને મહોમદના પરિવારજનોએ આ વાતની જાણ કરી હતી.
આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર ડૉ.અપેક્ષા પટેલ જણાવેલ કે, જન્મથી જ હ્રદયની તકલીફ સાથે જન્મેલા મહોમદનું વજન પણ ઓછુ હતું. અમે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી જરૂરી મંજૂરીઓ લીધા બાદ મહોમદને આર.બી.એસ.કે. વાનમાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે લઈ ગયા. જ્યાં 15 દિવસ સારવાર હેઠળ રાખી ગત તા.28 ડિસેમ્બરના રોજ મહોમદના હ્રદયનું સફળ ઑપરેશન કર્યું. જેનો ખર્ચ લગભગ 4થી 5લાખ રૂપિયા જેટલો થાય છે.
મહોમદના પિતા ફહદ અસામદીએ જણાવ્યું કે, હૃદયના ઑપરેશન અને સારવાર સહિતના ખર્ચનો મને અંદાજ પણ નહોતો. આટલી મોટી રકમ ક્યાંથી લાવવી એ જ મોટો પ્રશ્ન હતો. પણ મને કહેવામાં આવ્યું કે આ બધો જ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.
હાલ મહોમદ એકદમ તંદુરસ્ત છે, આંગણવાડી કાર્યકરો દ્વારા તેના સ્વાસ્થ્યની સમયાંતરે તેના શારિરીક વિકાસ સહિતની તપાસ કરાય છે. ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહોમદના પિતા ફહદ અસમાદીએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યરત ટીમ અને રાજ્ય સરકાર કામગીરીને બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.