આદેશ:સિદ્ધપુરનાં ચંદ્રાવતીનાં માજી સરપંચ પાંચ વર્ષ સુધી કોઇ પણ હોદ્દો ધારણ નહીં કરી શકે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર તાલુકાનાં ચંદ્રાવતી ગામના માજી સરપંચ હરેશભાઇ ચતુરભાઇ પટેલને પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીએ આજે એક હુકમથી માજી સરપંચને ગ્રામ પંચાયતમાં સભ્ય, ઉપસરપંચ કે સરપંચનો હોદ્દો ધારણ કરવા માટે હુકમની તારીખથી પાંચ વર્ષની મુદ્દત માટે ગેરલાયક ઠેરવ્યા હતાં.

પાટણનાં ડી.ડી.ઓ.એ આ હુકમમાં સરપંચને તેમનાં હોદ્દાની ફરજ દરમ્યાન હોદ્દાનો દુરુપયોગ કરેલ હોવાનું તથા નાણાંકીય ઔચિત્ય સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરેલ હોવાનું સ્પષ્ટ જણાઇ આવતાં તેઓની સામે ગ્રામ પંચાયત ખાતે એલ.ઇ.ડી. લાઇટની ખરીદીની રકમ રૂા. 1,51,000 અને લાઇટ નાંખવા બદલની મજુરી પેટે રકમ રૂા. 40,070 ચૂકવણાની રકમ મળી કુલ રૂા.1,91,000ની રકમ સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારીને આ હુકમની 30 દિવસમાં ભરપાઇ કરવા હુકમ કર્યો હતો. અરજદાર દિલીપજી ઠાકોરે તા. 18-9-2020થી સરપંચ દ્વારા સિદ્ધપુરનાં ચંદ્રાવતી ગ્રામ પંચાયત ખાતે માલ સામાનની ખરીદીમાં ત્રણ ભાવો મેળવ્યા વગર ખરીદી કરવા અંગેની રજુઆત કરતાં સિદ્ધપુરનાં તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપાતાં તેઓએ પાટણ જિલ્લા વિકાસ અધિકારીને તેનો તપાસ હેવાલ મોકલ્યો હતો. જે અહેવાલનાં મુદ્દાઓને ધ્યાનમાં લેતાં સરપંચે હોદ્દાનો દુરુપયોગ કર્યાનું જણાઇ આવ્યું હતું. અને અરજદારે સરપંચ સામે નાણાંકીય ભ્રષ્ટાચાર કર્યો હોવાની હોદ્દા પરથી દૂર કરવા રજૂઆત કરી હતી.

અરજદારે એવો આક્ષેપ કર્યો હતો કે, ગ્રામ પંચાયત દ્વારા એલઇડી લાઇટનાં બદલે સાદા બલ્બ નાંખવા સહિતનાં આક્ષેપો હતાં. સરપંચ સામે આક્ષેપો અંગે અધિક મદદનીશ ઇજનેરનો રિપોર્ટ ધ્યાને લેતાં તેમાં સરપંચે આપેલા જવાબમાં સરપંચે જણાવ્યું હતું કે, અમોએ જે તે સમયે અમે 2017-18માં એલઇડી લાઇટો નાંખી હતી. પરંતુ વારંવાર બગડી જતાં રીપ્લેસ કરીને આખા ગામનાં 342 નંગ સ્ટ્રીટ લાઇટ સ્ટ્રકચર નાંખેલ છે. તેમણે તે અંગેનાં બીલ પણ રજૂ કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...