આજરોજ રાધનપુર તાલુકામાં જિલ્લાના પ્રથમ આયુષ મેળો તથા વિના મુલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી, જિલ્લા આયુર્વેદ શાખા પાટણ દ્વારા આયોજિત આ આયુષ મેળાના મુખ્ય અતિથી તરીકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાટણ તેમજ સિદ્ધપુર અને સરકારી હોમયોપેથી કોલેજ દેથળી ના સંયુક્ત ઉપક્રમે શેઠ કે.બી.વકીલ હાઈસ્કૂલ રાધનપુર ખાતે આયોજિત પાટણ જિલ્લાના પ્રથમ આયુષ મેળામાં 2 હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો અને તમામ લોકોએ આયુષ પ્રણાલીનાં સિદ્ધાંતોની જાણકારી આપવામાં આવી હતી.
આયુષ મેળામાં આયુર્વેદ ઓપીડી અંતર્ગત 412 લોકોએ લાભ લીધો હતો. હોમિયોપેથી ઓપીડી અંતર્ગત કુલ 188 લોકો, પ્રકૃતિ પરીક્ષણ હેઠળ કુલ 88 લોકો, અગ્નિકર્મ હેઠળ 22, IEC પ્રદર્શનનો કુલ 822 લોકોએ લાભ લીધો હતો. આ તરફ અમૃતપેય ઉકાળા વિતરણનો કુલ 766 લોકોએ તેમજ આર્સેનિક આલ્બમમાં કુલ 632 લોકોએ લાભ લીધો હતો, આમ કુલ 2 હજારથી વધુ લોકોએ આજે મેળાનો લાભ લીધો હતો. આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, પંચકર્મ ચિકિત્સા, રસોડાના ઔષધો, આસપાસની વનસ્પતિના ઔષધો, યોગ નિદર્શન, હોમીયોપેથીક ચિકિત્સા પરિચય વગેરે વિષયો પર ચાર્ટ પ્રદર્શન યોજાયું. આ ઉપરાંત આયુષ મેળામાં હર્બલ ટી નું વિતરણ તેમજ ઋતુજન્ય રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહ બાદ ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા તમામ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી હતી. આ આયુષ મેળાનો રાધનપુર શહેર તથા આસપાસની જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.
આરોગ્યલક્ષી સમસ્યાઓને આયુષ ચિકિત્સા દ્વારા નિવારી, જીવનને તંદુરસ્ત અને દીર્ધાયુ બનાવવાના ઉદેશ્ય સાથે આયોજિત આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિઓનું સ્વાગત જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય રીનાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય માનનીય લવિંગજી ઠાકોરે લોકોને આયુર્વેદ ચિકિત્સા અપનાવવા માટે અપીલ કરી હતી. તેમજ જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાએ સંબોધન કરતા લોકોને આયુષ મેળાના ઉદઘાટન સમારોહમાં રોજિંદા જીવનમાં આયુર્વેદને વણી લેવા માટે અપીલ કરી હતી.
આજના આયુષ મેળા તથા વિના મુલ્યે આયુષ નિદાન-સારવાર કેમ્પમાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પંચાયત પાટણ પ્રમુખ ભાનુમતિબેન મકવાણા, જિલ્લા પંચાયત પાટણ આરોગ્ય સમિતિના ચેરમેન મનુજી ઠાકોર,જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.આર.એ.પ્રજાપતી, વૈદ્ય હિમાંશુભાઈ પિંડારિયા, સરકારી આયુર્વેદ હોસ્પિટલ સિદ્ધપુરના વૈદ્ય પંચકર્મ જીગ્નેશ પટેલ તેમજ જિલ્લા પંચાયત પાટણ હસ્તકના તમામ આયુર્વેદ અને હોમિયોપેથિક મેડિકલ ઓફિસરો તથા અન્ય સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.