• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • The Farmers Of The District Were Given Guidance By The Patan Agriculture Department Regarding The Forecast Of Heavy Rains For The Next Three Days

માર્ગદર્શન:આગામી ત્રણ દિવસ ભારે વરસાદની અગાહીને લઇને પાટણ ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન અપાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉભા પાકના રક્ષણ, પિયત, ખાતર નાંખવાની પદ્ધતિ સહિતની બાબતો પર ખેતીવાડી વિભાગે માર્ગદર્શન આપ્યું

હવામાન વિભાગની આગાહી અનુસાર તા. 14, 15 અને 16 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે હાલના સંજોગોમાં વધુ વરસાદની શક્યતા હોઇ, ઉભા પાકને બચાવવો ખુબ જરૂરી બને છે. જેને ધ્યાને લઇ પાટણ જિલ્લાના ખેડૂતોને ઉભા પાકનું સંરક્ષણ, પશુઓની સલામતી તેમજ ખેત ઇનપુટ અને જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

જિલ્લાના ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે, અડદ અને મગ સહિતના કઠોળ, દિવેલા, તલ, શાકભાજી, જુવાર ઘાસચારો વગેરે ઉભા પાકમાં પાણી ભરાયેલ હોય તો નિતાર કરી દેવો અને ઉભા પાકમાં રોગગ્રસ્‍ત અને નબળા સુકા છોડ ઉખાડી લેવા, તેને દુર કરી વરાપ થયે ઉભા પાકમાં આંતરખેડ અને હાથથી નિંદણમુક્‍ત રાખવુ. તાજેતરમાં વાવેતર કરેલ દિવેલા પાકના ખેતરમાં પાણી ભરાઇ ના રહે તે માટે નિતારની વ્યવસ્થા કરવી. સાથે જ હાલ ઉભા પાકમાં પિયત ટાળવા પણ જણાવવામાં આવ્યું છે.

વરસાદી પાણીના સંગ્રહ માટે ખેતરને ફરતે પાળા બનાવી વરસાદનું પાણી જમીનમાં ઉતારવું. નિષ્‍ફળ ગયેલ કુવા, બોર યોગ્‍ય પદ્ધતિથી રીચાર્જ કરવા. જળ અને જમીન સંરક્ષણના યોગ્‍ય પગલા લેવા. જમીન સમતળ કરવી અને મલ્‍ચીંગ કરવી. દરેક પાકના વિસ્‍તારને અનુરૂપ ભલામણ કરેલ પ્રમાણીત બિયારણ તથા બીજના દરનો ઉપયોગ કરવો.

વધુ વરસાદની પરિસ્થિતિમાં ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો તેમજ જાણવણી માટે તાડપત્રીનો ઉપયોગ કરવો. પશુઓના નિભાવ માટે વૈકલ્પિક આહાર યોજના, પશુઓને પીવાના પાણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું. એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા પણ વેપારી મિત્રોને જણાવવામાં આવ્યું છે.

નવુ વાવેતર કરવાનું હોય ત્યારે ખેડુતોએ ટુંકાગાળામાં વધુ ઉત્‍પાદન આપતા વિસ્‍તારને અનુરૂપ પાક અને તેની જાતોના પ્રમાણીત બીયારણનું વાવેતર કરવું જેમાં પિયત વિસ્તાર માટે સુકાર પ્રતિકાર જાત દિવેલા જીસીએચ- 7 નું વાવેતર કરવું તથા બીન પિયત વિસ્તારમાં દિવેલા- જીસીએચ-૨નું વાવેતર કરવું. ઘાસચારાના પાકો તરીકે મકાઈ, ગુંદરી જુ઼વાર, સોલાપુરી જુ઼વાર, માલવણ, પાકોનું વાવેતર કરવું. જમીનમાં સેન્‍દ્ગિય તત્‍વ પુરતા પ્રમાણમાં ઉમેરવું. આંતરપાક પદ્ધતિ અપનાવી જોખમમાં ઘટાડો કરવો.

બીટી કપાસના ઉભા પાકમાં સતત વરસાદના લીધે પાણી ભરાઇ રહેતું હોય તો ઉભા પાકના ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવો તથા પાણીના નિકાલ માટે આગોતરૂં આયોજન કરવું. વરાપ થયેથી પુનઃ આંતરખેડ કરવી જેથી પાકને પુરતા પ્રમાણમાં ઓક્સીજન મળી રહે અને પાકનો યોગ્ય વિકાસ થાય સાથે જ સુકારા અને મુળખાઇ જેવા રોગથી પાકને બચાવી શકાય. બીટી કપાસના ઉભા પાક પૂરતું યુરિયા આપવું, બીટી કપાસના ઉભા પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. બીટી કપાસમાં હેક્ટરે પાંચની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી 8 ફુદા પકડાય તો ભલામણ મુજબ પ્રોફેનોફોસ 50 ઇસી 10 મીલી અથવા અન્ય ભલામણ કરેલ જંતુનાશક દવાનો છંટ્કાવ કરવો.

ખેતરમાં કે, ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...