ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. પાટણમાં તા.05.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે પાટણના રાધનપુર, સાંતલપુર, વારાહી વગેરે જેવા વિસ્તારો એવા છે કે જ્યાં લોકો વેપાર-ધંધા અર્થે બહારગામ વસવાટ કરવા માટે જતા હોય છે.
મતદાનનું પ્રમાણ વધારવા પ્રયાસ
જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખાસ કરીને એવા ગામના લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ લોકશાહીના આ મહાપર્વ પર મતદાન કરવા માટે એક દિવસનો સમય ફાળવે અને એક દિવસ માટે પોતાના ગામ પરત આવીને મતદાન કરે. જેથી રાધનપુર, સાંતલપુર, વારાહી જેવા વિસ્તારોમાં મતદાનની ટકાવારી વધી શકે. આવા ગામોમાં મતદાનની ટકાવારી વધે તે માટે થોડા દિવસ અગાઉ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટી દ્વારા ગોતરકા અને મોટી પીપળી ગામોની મુલાકાત પણ લેવામાં આવી હતી.
લોકશાહીના અવસરમાં સહભાગી બની લોકશાહીને મજબૂત બનાવો
આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રિત સિંઘ ગુલાટી દ્વારા એવા તમામ ગામોને તા.05.12.2022 ના રોજ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે કે જ્યાં વર્ષ-2017ની વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ઓછું થયું હતું અને જે ગામોના લોકો વધુ પ્રમાણમાં બહારગામ વસવાટ કરી રહ્યા છે. તેવા લોકોને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરવા માટે આગ્રહ ભરી અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ગામના સૌ લોકો આગળ આવે અને સો ટકા મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બની ખરા અર્થમાં લોકશાહીને મજબૂત બનાવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.