તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી:પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સભાસદોની નિરસતા જોવા મળી, 30% મતદાન થયું

પાટણ22 દિવસ પહેલા
  • 23 હજાર સભાસદો માટે 23 બુથો પર 80 કર્મચારીઓ દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ
  • બેંકની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પરંતુ કોરોનાની ગાઈડલાઈનના ધજીયા ઉડ્યા

પાટણ નાગરિક સહકારી બેંકની રવિવારે એમ.એન હાઇસ્કુલનાં બે બિલ્ડીંગ ખાતે યોજાયેલી 15 સભાસદો પૈકીના એસસી એસટી સીટના 1 ઉમેદવાર બિનહરીફ ચૂંટાતા 14 સભાસદો માટેની ચૂંટણીને અનુલક્ષીને 21 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પ્રગતિશિલ પેનલના 14 ઉમેદવારો અને પરિવર્તન શિવ પેનલના 6 ઉમેદવારો તેમજ 1 અપક્ષ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે રવિવારે સવારે 8 કલાકેથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

નાગરિક સહકારી બેંકની મતદાન પ્રક્રિયા શરૂઆતમાં ધીમી ગતિએ રહેતા ઉમેદવારોનાં ચહેરાઓ ઉપર નિરાશાઓ જોવા મળી હતી, પરંતુ એકાદ કલાકની મતદાન પ્રક્રિયા બાદ મતદાન બુથો ઉપર સભાસદોનો ઘસારો વધવાનાં કારણે મતદાન મથકોનાં બંને બિલ્ડિંગમાં સરકારની કોરોનાની ગાઇડલાઇનનુ સરેઆમ ઉલ્લંઘન થતું જોવા મળી રહ્યું હતું.

મોટાભાગના ઉમેદવારો માસ્ક વગર સભાસદોને મળી પોતાની પેનલ તરફી મતદાન થાય તે માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા. તો ફરજ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા બંને બિલ્ડિંગોમાં મતદાન અર્થે આવેલા સભાસદોને મતદાન કરી ખોટી ભીડ એકત્ર ન થાય તે માટે મતદાન મથક ઉપર થી દુર કરવા કમર કસવી પડી હતી.

પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીના સવારે 8 કલાકે આરંભથી અંત સુધીમાં અંદાજિત 23 હજાર સભાસદો પૈકી 6 હજાર 299નું મતદાન થયું હતું. કુલ 23 બુથો ઉપર અંદાજીત 80 જેટલો સ્ટાફ ફરજ પર તૈનાત રહ્યો હતો. જોકે, 23 હજાર સભાસદો પૈકી 6 હજાર 299 સભાસદો દ્વારા મતદાન થયું હોય આ બાબતે પ્રતિસાદ આપતાં પરિવર્તન પેનલના ઉમેદવારો એ આ વખતની ચૂંટણીમાં પેઢીઓના બોગસ મતદાન અટક્યુ હોવાનાં કારણ દર્શાવ્યુ હતું.

પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂર્વે કોરોનાની ગાઈડલાઈનના પાલન બાબતેની તમામ હૈયાધારણાઓ પોકળ સાબિત થઈ હોય તેમ સરેઆમ કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન એમ એન હાઈસ્કૂલના બંને બિલ્ડિંગોના મતદાન મથક ઉપર તેમજ ગ્રાઉન્ડમાં સભાસદો અને ઉમેદવારોનાં સમર્થકોની ભારે ભીડના કારણે જોવા મળી રહી હતી.

પાટણ નાગરિક સહકારી બેંકની રવિવારે યોજાયેલી ચૂંટણી દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અભિષેકના યજમાન પરિવારની મહિલાઓ પણ ચૂંટણીમાં પોતાના પરિવારનાં ઉમેદવારને મતદાન કરવા મતદાન મથક ઉપર આવી મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...