બહુચર્ચિત પ્રાથમિક શિક્ષક બદલી કૌભાંડના પડઘા પાટણ જિલ્લામાં હજુ શાંત થયા નથી. ત્યાં વધુ 16 પ્રાથમિક શિક્ષકોની ખોટી બદલી પકડાતાં તમામ શાળાઓમાં શિક્ષકોની બદલીની તપાસ કરી ખોટી બદલી થયેલી હોય તો રિપોર્ટ કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તમામ ટીપીઓ ને તાકીદ કરી છે. ત્યારે બીજી બાજુ ખોટી બદલી કરનાર જવાબદારો સામે કેમ પગલા લેવાતા નથી તેવા સવાલો થઈ રહ્યા છે.
લાંબા સમયથી પાટણ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની બદલી કૌભાંડનો મામલો બહુચર્ચિત બન્યો છે. આ મામલામાં મુખ્યમંત્રી કાર્યાલયમાંથી મળેલી બદલી પામેલા શિક્ષકોની યાદીમાં 70 શિક્ષકોના નામ આપવામાં આવેલા હતા તે પૈકી 16 શિક્ષકોની ખોટી બદલી થયેલી હતી. જેથી તેમને મૂળ શાળામાં પરત મૂકવામાં આવ્યા છે. પરંતુ પાટણ જિલ્લામાં વારંવાર આ પ્રકારની રજૂઆતો મળતી હોવાથી તમામ શાળાઓમાં છેલ્લા ત્રણ વર્ષના રેકર્ડની ચકાસણી કરી નિયમ વિરુદ્ધ ખોટી બદલી થયેલ હોય તો તે અંગેનો સ્વયં સ્પષ્ટ અહેવાલ કચેરી ખાતે મોકલી આપવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બિપીનભાઇ પટેલે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે.
એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ખોટી બદલીઓ શોધવા માટે રેકૅડ ફંફોસવા માટે ટી.પી.ઓ ને સૂચના આપવામાં આવી છે. પરંતુ ખોટી બદલી કરનાર જવાબદારો સામે કેમ પગલા લેવામાં આવતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. અને ખોટી બદલી કરવા પાછળ જવાબદાર કોણ કોણ છે. તેની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.