પાટણ શહેરમાં મહિલાઓના ઉત્થાન માટે 15 ઓગસ્ટ 1968માં પાંચ મહિલાઓ દ્વારા સ્થાપિત કરાયેલી માતૃશ્રી જાસુદ બેન રીખવચંદ શાહ સંચાલિત ભગિની સમાજની સંસ્થા આજે સાચા અર્થમાં મહિલા ઉત્થાનનું કામ કરી રહી છે. સંસ્થાના મસાલા ઉત્પાદન કેન્દ્ર દ્વારા ગૃહિણીઓને શુદ્ધ સાત્વિક અને ભેળસેળ મુક્ત બાર માસી ભરાતા મસાલાનું નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાણ શરૂ કરાયું છે. ભગિની સમાજના મસાલાની માંગ વિદેશની ધરતી સુધી પહોંચી છે.
સંસ્થા આજે વટ વૃક્ષ બની ગઈ
સંસ્થાની સ્થાપના નાના એવા બીજથી કરનાર યામીનીબેન દેસાઈ, વાલીબેન પટેલ, મેનાબેન પટેલ, સુશીલાબેનજાની અને કાંતાબેન રાવલ આ પાંચ બહેનોના અથાક પ્રયત્નો થકી મહિલા ઉત્થાનના વિચારને મંત્રમુગ્ધ કરવા શરૂ કરાયેલી મહિલા લક્ષી પ્રવૃત્તિઓમાં કમિશનર મહિલા બાળ વિકાસ કચેરીની પ્રવૃત્તિઓ, જિલ્લા અને તાલુકા વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર ,નેશનલ એઈડ્સ કંટ્રોલ પ્રોજેક્ટ, ફ્રી ટિફિન સેવા, ટોય લાયબ્રેરી, કોમ્પ્યુટર તાલીમ વર્ગ, મહિલા પુસ્તકાલય, ભરત શિવણના વર્ગો, સહકારી મંડળીઓ મહિલા ગૃહ ઉદ્યોગ મહિલા શાખા પુરવઠા સહકારી મંડળીઓ જેવી વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી અને આજે તે વટ વૃક્ષ બની છે. તેનો લાભ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની અનેક મહિલાઓને મળ્યો છે.
મહિલાઓને રોજગારી પૂરી પાડવામાં આવી
છેલ્લા દસ વર્ષથી ગૃહિણીઓ દ્વારા ઘર વપરાશ માટેના બારમાસી ભરાતા વિવિધ પ્રકારના મસાલા ઉત્પાદન કેન્દ્રની નાના પાયેથી શરૂઆત કરવામાં આવી હતી. જોકે કોરોનાના સમય દરમિયાન આ મસાલા ઉત્પાદન કેન્દ્રની સુવિધા બંધ કરવાની ફરજ સંસ્થાને પડી હતી. આ સમય દરમિયાન સંસ્થાની સ્થાપના કરનાર સુશીલાબેન જાની, કાંતાબેન રાવલ, મેનાબેન પટેલ અને યામિનીબેન દેસાઈ પોતાની અવસ્થાને લઈને શ્રીજી ચરણ થતા તમામ સંસ્થાની જવાબદારી પ્રમુખ પદે વાલીબેન ડી. પટેલે અને મંત્રી પદે ડો. લીલાબેન મહેન્દ્રભાઈ સ્વામીએ સંભાળી ગત વર્ષથી પુનઃ મસાલા ઉત્પાદન કેન્દ્રની શરૂઆત કરી અને અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડી આત્મનિર્ભર બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું.
શુદ્ધ અને સાત્વિક ભેળસેળ મુક્ત મસાલા
ગત વર્ષે 500 કિલો જેટલા વિવિધ પ્રકારના મસાલાઓ નહીં નફો નહીં નુકસાનના ધોરણે વેચાણ કર્યું હતું જે મસાલાઓની ખરીદી કરનાર ગૃહિણીઓની ચાલુ વર્ષે પણ માંગ રહેતા સંસ્થા દ્વારા પ્રથમ લોટમાં 1200 કિલો કાશ્મીરી મરચું, રેશમ પટ્ટી મરચું, દેશીમરચું, રાજાપુરી હળદર, ગરમ મસાલો અને ધાણાજીરુંનો સ્ટોક જાતે લાવી શુદ્ધ અને સાત્વિક ભેળસેળ મુક્ત જરૂરિયાત મુજબના પેકિંગો કરી નહીં નફો નહીં નુકસાનના ધોરણે કનસડા દરવાજા સ્થિત ભગીની સમાજ કાર્યાલય ખાતે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
વિદેશની ધરતી અમેરિકા અને કેનેડા સુધી પહોંચ્યાં
આ મસાલા ઉત્પાદન કેન્દ્ર વિશે માહિતગાર કરતા સંસ્થાના મંત્રી ડો.લીલાબેન મહેન્દ્રભાઈ સ્વામીએ જણાવ્યું હતું કે, ભગિની સમાજ દ્વારા તૈયાર કરાયેલા શુદ્ધ અને સાત્વિક ભેળસેળ મુક્ત આ મસાલાઓની માંગ પાટણ, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, મુંબઈ સહિત હવે વિદેશની ધરતી અમેરિકા અને કેનેડા સુધી પહોંચી છે. ભગિની સમાજ દ્વારા મસાલા ઉત્પાદન કેન્દ્રમાં હાલમાં 10 મહિલાઓને રોજીરોટી આપી આત્મ નિર્ભર બનાવવામાં આવી છે.
ક્યા મસાલાનો કેટલો ભાવ?
ભગિની સમાજના મસાલા ઉત્પાદન કેન્દ્ર દ્વારા બજારમાં મળતા મસાલા કરતા નજીવા દરે નહીં નફો નહીં નુકસાના ધોરણે વેચાણ કરવામાં આવી રહ્યું છે જેમાં કાશ્મીરી મરચાનો ભાવ કિલો રૂપિયા 660, રેશમ પટ્ટી મરચાનો ભાવ કિલો રૂપિયા 390, દેશી મરચાનો ભાવ કિલો રૂપિયા 360, રાજાપુરી હળદર કિલો રૂપિયા 160, ગરમ મસાલો કિલો રૂપિયા 400 અને ધાણાજીરું કિલો રૂપિયા 280 માં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ભગિની સમાજના મસાલા ઉત્પાદન કેન્દ્રમાં હાલ 1200 કિલોનો સ્ટોક ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે અને જેમ જેમ લોકોની માંગ વધશે તેમ તેમ માલનો સ્ટોક મંગાવી શુદ્ધ અને સાત્વિક ની સાથે ભેળસેળ મુક્ત મસાલો ગૃહિણીઓને પૂરો પાડવાનો ઉદ્દેશ સંસ્થાનો રહેલો હોવાનું તેઓએ જણાવી આ પ્રવૃતિમાં સંસ્થાના મનિષાબેન ઠકકર, મીનાબેન પટેલ અને હેમાબેન મજમુદાર સહિતની બહેનો સહિયોગી બની રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.