પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આયોજિત બે દિવસીય જિલ્લા કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લાના 53 જેટલા શિક્ષકોએ જુદા જુદા ઇનોવેશન રજુ કર્યા હતા. ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓના હસ્તે ઇનોવેટિવ ટીચર્સને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના આઠમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનો સમાપન સમારોહ પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીની ઉપસ્થિતિમાં આજે યોજવામાં આવ્યો હતો જેમાં ડિઈઓ એ જણાવ્યું હતું કે શાળા કક્ષાએ શિક્ષણ કાર્યમાં પડતી સમસ્યા અને સમસ્યાના સમાધાન માટે કરવામાં આવતું ઇનોવેશન જે શિક્ષણ જગત માટે ચોક્કસથી લાભદાયી છે.ડાયટ પ્રચાર્ય પિન્કીબેન રાવલ દ્વારા ડિઈઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરસ્વતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્ર મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારું એ સદભાગ્ય રહ્યું છે કે અત્યાર સુધી થયેલા તમામ ઇનોવેશન નિહાળવાનો અવસર પ્રાપ્ત થયો છે. તેમણે ઇનોવેટીવ ટીચર્સને બિરદાવ્યા હતા.શાળા કક્ષાએ સુંદર ઇનોવેશન કરી બે દિવસ જિલ્લા કક્ષાએ પ્રેઝન્ટેશન રજૂ કરનાર તમામ ઇનોવેટિવ ટીચર્સને જિલ્લા શિક્ષણ અધિકારીના વરદ હસ્તે જિલ્લાના 53 ઇનોવેટિવ ટીચર્સને પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ ખાતે આયોજીત આ શિક્ષકો માટેના શૈક્ષણિક ઇનોવેશન મહોત્સવમાં જિલ્લાના વિવિધ શાળાઓના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઇને તેમનાં અવનવા ઇનોવેશન રજૂ કર્યા હતાં. પાટણ ડાયેટ ખાતે આ ઇનોવેશન જોવા માટે મોટી સંખ્યામાં જિલ્લાની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. કેટલાક ઇનોવેશન ખૂબ જ મહેનત માંગી લે તેવા અને અમલીકરણમાં મુકવા જેવા જોવા મળ્યા હતાં.
ઉપસ્થિત અધિકારીઓએ આ ફેસ્ટીવલના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને શિક્ષકો પાસેથી જ તેનામાં રહેલ નાવીન્ય અંગે જાણકારી મેળવી હતી. અને આવી બાબતો પ્રેરણારૂપ હોવાનું જણાવ્યું હતું. આભારવિધિ ડીઆઇસી કો.ઓર્ડીનેટર ડો. પીનલબેન ગોરડીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કાંસા સીઆરસી રાજેશ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.