રજૂઆત:પાટણ જિલ્લાના CHOએ પગાર, કામનું ભારણ સહિતના પડતર પ્રશ્નો બાબતે CDHOને રજૂઆત કરી

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) દ્વારા તેમના પગારની અનિયમિતતા અને 6 માસથી ઇનસેન્ટિવ નહીં ચૂકવાતા તેમજ આરોગ્યના હડતાળ પર ગયેલ અન્ય કેડરના કર્મચારીઓના કામનું ભારણ તેમના પર લાદી દેવાયું હોવા સહિત અન્ય પડતર પ્રશ્નો અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પાટણ ડો.વિષ્ણુ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆત બાબતે CDHO દ્વારા અઠવાડિયામાં યોગ્ય વિચારણા કરવા જણાવાયું હતું.

પ્રતિનિયુક્તિનું કોઇ એલાઉન્સ મળતું નથી
આવેદનપત્રમાં જણાવાયું હતું કે, CHOને બિનજરૂરી રીતે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર( PHC) ખાતે કે અર્બન સેન્ટર અથવા તો PHCના બીજા કોઇ વિસ્તારમાં સતત પ્રતિનિયુક્તિ અઠવાડિક, દૈનીક ધોરણે આપવામાં આવે છે. જેના લીધે સેન્ટરની કામગીરી પર અસર પડે છે તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના ઈન્ડિકેટર પરીપૂર્ણ થતા નથી. વળી, પ્રતિનિયુક્તિનું કોઇ એલાઉન્સ પણ ચુકવવામાં આવતું નથી. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યાન્વિત કરવા માટેની માર્ગદર્શિકા અનુસંધાને સીએચઓને પીએચસી પર કામગીરી કરવા અર્થે ન બોલાવવા કડક સૂચનાનું અમલવારી માટે જણાવેલ હોવા છતાં તેમને કામગીરી આપવામાં આવે છે.

વધારાની કામગીરી કરવામાં નહીં આવે તેમ જણાવ્યું
કોરોના મહામારી દરમિયાન જાહેર રજાના દિવસો અને ચાલુ દિવસોમા PHCના આરટીપીસીઆર અને એન્ટીજન ટેસ્ટ અને એન્ટ્રી તથા કોવિડ વેક્સિનની કામગીરી અત્યાર સુધી CHO દ્વારા કરવામાં આવતી હતી જે હવે પછી કરવામાં નહિ આવે એમ રજૂઆતમાં જણાવાયું હતું.

વધારાની કામગીરીથી CHO પરેશાન
હાલમાં જ સરકાર દ્વારા 10 અને 16 વર્ષના બાળકોને 10 વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે મુખ્યત્વે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અન્ય સંવર્ગના આરોગ્યકર્મીઓની જવાબદારી છે, જે કામગીરી પણ સીએચઓને સોંપવામાં આવી છે. સીએચઓની ભરતી તેઓને સોંપવામાં આવેલી વિસ્તારની કામગીરીનું સોર્ટીવ સુપરવિઝન માટે કરવામાં આવી છે. તેની જગ્યાએ તમામ કામગીરી પૂર્ણ કરવાની જવાબદારી હાલમાં સીએચઓને જ સોંપી દેવામાં આવી છે.

નાણાકીય પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કહ્યું
પાટણ જિલ્લામાં અમુક તાલુકામાં પગાર તથા ઇન્સેન્ટીવની કામગીરી ઘણી જ નબળી છે, જેથી કરીને નાણાકીય પ્રશ્નો ઉપસ્થિત થાય છે. જે બાબતને યોગ્ય કરવા માગણી કરાઈ હતી. હાલમાં ચાલી રહેલ ગુજરાત આરોગ્ય મહાસંઘની હડતાલના કારણે સીએચઓ ઉપર વધારાનું ભારણ જેમકે મમતા સેશનની કામગીરી અને ટેકો એપ્લિકેશનમાં એન્ટ્રીની કામગીરી પણ સોંપવામાં આવી છે. જે કર્મચારીની વ્યવસ્થા કરી સીએચઓના સુપરવિઝન હેઠળ કરવામાં 2 તેમજ કોવીડ વેક્સિનેશનના મળવાપાત્ર પ્રોત્સાહન રૂપેની રકમ હજુ સુધી પાટણ જિલ્લામાં કોઈપણ સીએચઓને મળેલ નથી.

જાહેર રજાના દિવસે ફરજ બજાવાશે નહીં
પાટણ જિલ્લાના તમામ સીએચઓને જોબચાર્ટ સિવાયની તમામ વધારાની કામગીરી સોંપવામાં ના આવે., કોરોનાકાળમાં સીએચઓએ કોઈપણ જાહેર રજાના લાભ લીધા વગર નિષ્ઠાથી તમામ કામગીરીને પૂરો ન્યાય આપ્યો છે. પરંતુ હવે કોરોના વેવ ખૂબ જ નહિવત છે. તેથી કોઈપણ સીએચઓ જાહેર રજાના દિવસે ફરજ બજાવશે નહીં.

તમામ પ્રશ્નનોનું ઝડપથી નિરાકરણ લાવવા કહેવાયું
સીએચઓને પીએમજેએએન કાર્ડ કઢાવવા સંકલનમાં રહીને કાર્ડ કઢાવવા માટે કહેવાયું છે પણ અમુક તાલુકામાં સીએચઓને તાલીમ આપી કાર્ડ કાઢવા માટે કહેવાયું છે . કામગીરી ન હોવાથી કરવામાં નહીં આવે તેમજ એપ્રોવલની કામગીરી પણ કોન્ટ્રાકટ કર્મચારીની જવાબદારીમાં ના આવતી હોય એમની જોડે ના કરાવવા રજૂઆતમાં જણાવ્યું હતું અને ઉપરોક્ત પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...