તંત્ર ઘોર નિંદ્રામાં:સરસ્વતીના અઘાર ગામનું બસસ્ટેન્ડ છ-સાત વર્ષથી જર્જરિત હાલતમાં

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયતમાં રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરાઈ નથી

સરકાર ગ્રામ્ય વિસ્તારમાં લોકો માટે સુખ સુવિધા માટે કરોડોનો ખર્ચ થઈ રહ્યો હોવાની વાતો કરી રહી છે ત્યારે પાટણ-ડીસા હાઇવે પર આવેલ સરસ્વતી તાલુકાના અઘાર ગામના બસ સ્ટેશનની છેલ્લા છ-સાત વર્ષથી જર્જરિત હાલતમાં છે. વર્ષો અગાઉ બનાવેલું બસ સ્ટેન્ડનો કેટલાક ભાગનો સ્લેબ તૂટીને નીચે પડેલો છે. બસ સ્ટેન્ડ બિલકુલ જર્જરિત હોઈ ઉપયોગ કરી શકાતો નથી.

અઘાર ગામ આશરે 7000ની વસ્તી ધરાવતું ગામ છે. ગામમાં કુવારિકા માતાનું મોટું મંદિર આવેલું હોઈ શ્રદ્ધાળુઓની અવરજવર રહે છે. હાઈવે ચોકડી ઉપર અઘાર ઉપરાંત વામૈયા, કોટાવડ અને ચારૂપ ગામના લોકોની અવર-જવર રહે છે. બસ સ્ટેન્ડ તૂટી ગયા પછી તેની કોઈ સાર સંભાળ લેવાઈ નથી.નવીન બસ સ્ટેન્ડ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા સરસ્વતી તાલુકા પંચાયત કચેરીમાં લેખિત રજૂઆત કરી છે, પરંતુ કોઇ કાર્યવાહી કરાઈ નથી તેમ ગામના ઉપસરપંચ ચેહરસંગ સોલંકીએ જણાવ્યું હતું.

એસટી તંત્રને આ કામ કરવાનું થતું નથી
પાટણ એસટી ડેપો મેનેજર સાથે વાત કરતાં જણાવ્યું કે એસટી વિભાગના હસ્તકમાં આ બસસ્ટેન્ડ આવતું નથી. ડેપો કે કંટ્રોલ પોઈન્ટ જ આવે છે.

અન્ય સમાચારો પણ છે...