કિસાન સન્માન કાર્યક્રમ:APMC એક્ટ માર્કેટયાર્ડના કર્મીઓ માટે નુકસાનકારક પણ ખેડૂતો માટે ફાયદાકારક

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણમાં કિસાન સન્માન કાર્યક્રમમાં ભાજપના કિસાન મોરચા અધ્યક્ષે સંબોધન કર્યું

2 ઓક્ટોબર ગાંધી જયંતીએ યોજાયેલી પાટણ જિલ્લા ભાજપનો કિસાન સન્માન કાર્યક્રમમાં ભાજપના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલે એપીએમસી એક્ટને માર્કેટયાર્ડના કર્મચારીઓ માટે નુકસાનકારક અને ખેડૂતો માટે ફાયદાકારક ગણાવ્યો હતો. સાથે ખેડૂત અને મિલમાલિક વચ્ચે દલાલી લેતા વચેટિયાઓને એપીએમસી એકટથી દૂર કરવાનું પ્લાનિંગ હોવાનું પણ જણાવ્યું હતું. આ નિવેદનથી માર્કેટયાર્ડના કર્મચારીઓ અને દલાલો માં અલગ અલગ પ્રતિક્રિયા દર્શાવાઈ હતી.

અત્રે માર્કેટ યાર્ડમાં ભાજપના કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિતેશ પટેલે જણાવ્યું હતું કે ઘણા બધા વેપારીઓ અને ચેરમેનો ચિંતા કરે છે કે એપીએમસી એક્ટ આવશે તો એપીએમસીઓ બંધ થઈ જશે પણ એવું કંઈ થવાનું નથી. એપીએમસી એક્ટથી એપીએમસીના કર્મચારીઓને નુકસાન છે પણ ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે. એપીએમસીમાં જે ખેડૂતોની ખેત પેદાશ વેપારી ખરીદે છે.

તે પોતાનો નફો લઈ ખેત પેદાશ મીલમાલિકને આપે છે. વચ્ચે નફો રાખે છે. દલાલી રાખે છે. નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તે પહેલાની જેટલી કૃષિ ડિબેટ જોઈ લેશો તો મોટા ભાગના કૃષિ એક્સપર્ટ કહેતા કે ખેડૂત અને મીલમાલિક વચ્ચેના જે વચેટિયાઓ છે તેમને દૂર કરવા જોઈએ. નરેન્દ્રભાઈ મોદીએ તે ગેપ દૂર કરવાનું આયોજન કર્યું છે તે આ એપીએમસી એક્ટ છે.

છેતરપિંડી ન થાય તે માટે અલગ ન્યાય તંત્ર રચવામાં આવે
ભારતીય કિસાન સંઘના વિભાગ સંયોજક દીક્ષિતભાઈ પટેલે જણાવ્યું હતું કે એપીએમસી એકટથી ખેડૂતોને વિશાળ માર્કેટ મળશે.પરંતુ કંપનીઓ ખેડૂતો સાથે છેતરપિંડીના કરી શકે તે માટે કડક દંડકીય જોગવાઈ અને અલગ કિસાન ન્યાયતંત્રની રચના કરવા માટે ભારત સરકારમાં માગણી કરેલી છે.

માર્કેટયાર્ડના મકાનોના વેલ્યુએશન પર અસર શરૂ થઈ
પાટણ માર્કેટયાર્ડના વેપારી સુમનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે એપીએમસી એકટ વેપારીઓ માટે યોગ્ય પગલું નથી. એમપી અને યુપીમાં ઘણા માર્કેટયાર્ડ બંધ થઈ ગયા તેવી સ્થિતિ અહીં પણ થશે.એવી ગણતરીથી અત્યારથી પાટણ માર્કેટયાર્ડના મકાનોની વેલ્યુએશન પર અસર શરૂ થઇ છે. સાથે વેપારી અને મજૂરોને રોજગારીને પણ અસર પડશે. માર્કેટયાર્ડમાં હરીફાઈમાં ખેડૂતોને સાચો ભાવ મળી રહે છેપણ મુઠ્ઠીભર લોકો ભાવ નક્કી કરશે ત્યારે નાના ખેડૂતોને નુકસાન થશે. માર્કેટયાર્ડના એક સિનિયર કર્મચારીએ જણાવ્યું કે એપીએમસી એક્ટના કારણે માર્કેટયાર્ડોની આવક ઘટી છે, જેના કારણે ઘણા માર્કેટયાર્ડ બંધ થાય તે સ્થિતીમાં છે. કર્મચારીઓના પગાર પણ થતા નથી થાય તો અનિયમિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...