રંગોનો તહેવાર હોળી-ધુળેટીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આ તહેવારોમાં પાટણની બજારમાં હાયડા, ધાણી અને ખજુરનું વેચાણ વધી જાય છે. તેમાંય હાયડાઓનું વિશેષ મહત્વ છે. હાલ બજારમાં ઠેર ઠેર દુકાનો ઉપર હાયડાઓ લટકતા જોવા મળે છે. જેની શહેર તથા ગ્રામ્ય વિસ્તારની પ્રજા ખરીદી કરે છે અને વર્ષોથી ચાલી આવતી સામાજીક રીત-રીવાજોમાં તેનો ઉપયોગ કરે છે.
હાયડા બનાવવાની રસપ્રદ રીત
આ હાયડા બનાવવાની રીત પણ ભારે રસપ્રદ છે. પાટણ શહેરમા આશરે છેલ્લા 50 વર્ષથી મીઠાઈ બનાવતા કારીગરો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાયડા બનાવવામાં પ્રથમ ખાંડની ચાસણીને એક કડાઇમાં ગરમ કરી તેનો રસ તૈયાર કરાય છે. ત્યારબાદ લાકડાની કોતરણીવાળા બીબામાં પ્રથમ કારીગરો દ્વારા દોરી પરોવવામાં આવે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લાકડાના બીબામાં ચાસણીના રસને ઢાળવામાં આવે છે અને ગણતરીની મિનીટોમાં જ આ ચાસણી ઠરતા લાકડાના બીબા આકારના હાયડા તૈયાર થાય છે.
હાયડા બનાવતા રાયચંદભાઈ પટેલ જણાવ્યુ હતું કે, હાલની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ આ વ્યવસાય હવે લુપ્તતાના આરે જઇ રહ્યો છે. ખાંડના વધતા જતા ભાવોને લઇ તેનું ચલણ પણ ઓછું થતું જાય છે. હાયડો આપણા સામાજીક રીત રિવાજોમાં સંકળાયેલો જોવા મળે છે. પરંપરાગત મુજબ ચાલી આવતા રીતરીવાજો મોંઘવારી તેમજ આધુનિકતાએ આ હાયડાને પોતાના ખપ્પરમાં હોમી દીધા હોવાથી આજે આ હાયડા ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે.
આ ઉપરાંત સમાજના પરંપરાગત રિવાજો હવે ધીમે ધીમે ભુલાઇ રહ્યા છે. તેની સાથે સાથે હાયડાઓનું મહત્વ પણ હવે નહીવત બની ગયું છે. પરંતુ કેટલાક સમાજોમાં આજે પણ અકબંધ રીતે હાયડાની પરંપરાને જાળવી રાખી છે. જેમાં સગાઇ, લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોમાં હાયડા અપાય છે.
દર વર્ષે અઢી-ત્રણ હજાર કિલો હાયડા વેચાય છે
હોળી-ધુળેટીનો તહેવાર હવે નજીકના દિવસમાં આવતો હોય વિવિધ કંદોઇની દુકાનમાં હાયડા બનાવતા કારીગરો પોતાની કામગીરીમાં વ્યસ્ત બનેલા જોવા મળી રહ્યા છે. આ હાયડા હોલસેલમાં 80 રૂપિયા અને છૂટક 100 રુપિયાના ભાવે વેચાય છે. દર વર્ષે પાટણમાં અઢીથી ત્રણ હજાર કિલો હાયડા વેચાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.