સરાહનીય કામગીરી:હારીજના રામનગરમાં રહેતી મહિલાની 108માં સ્ટાફે નોર્મલ ડિલીવરી કરાવી માતા અને બાળકના જીવ બચાવ્યાં

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના રામનગર ગામની મહિલાને પ્રસવ પીડા ઉપડતાં પરિવાર દ્વારા 108માં સારવાર અર્થે લઈ જવામાં આવી રહી હતી. જોકે, પ્રસવ પીડા ઉપડતા મહિલાનું 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલીવરી કરાવવામાં આવી હતી. તેથી મહિલાના પરિવારજનોએ 108ની કામગીરીને વધાવી હતી. ગુજરાત સરકાર દ્વારા આરોગ્યની નિઃશુલ્ક સેવા ઉપલબ્ધ બની રહે તે માટે 108 એમ્બ્યુલન્સની સેવા કાર્યરત બનાવવામાં આવી છે. જે સેવા જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ બની રહી છે. ત્યારે રામનગર ગામની પ્રસૂતા માટે પણ 108ની સુવિધા આશીર્વાદરૂપ બની હતી.
પરિવારે આભાર વ્યક્ત કર્યો
આ બાબતે મળતી હકીકત મુજબ, હારીજ તાલુકાના રામનગર ગામની મહિલાને ગતરોજ પ્રસવ પીડા ઉપડતાં પરિવાર દ્વારા સમી 108ને કોલ કરાયો હતો. જેમાં પાયલોટ અમરસંગ ઠાકોર અને ઈએમટી મહેશ ઠાકોરે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. પ્રસવ પીડા ભોગવતી મહિલાને 108 એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરે તે પહેલાં જ મહિલાનું ગર્ભાશયનું મુખ ખુલી જતાં 108ના પાયલોટ અને ઈએમટી દ્વારા મહિલાની નોર્મલ ડિલીવરી 108 એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી અને માતા તેમજ બાળકનો જીવ બચાવ્યો હતો. વધુ સારવાર માટે બન્નેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં માતા અને બાળકની તબિયત સારી હોવાથી પરિવાર દ્વારા સમી 108 એમ્બ્યુલન્સના પાયલોટ સહિત ઈએમટીની આરોગ્ય સેવાને સરાહનીય લેખાવી આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...