તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ ખુલશે:કેસ નથી એટલે વાલી બાળકોને શાળાએ મુકવા તૈયાર

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 53440 બાળકો સાથે ધોરણ-6થી 8ની શાળાઓ ખોલવા સંચાલકોની તૈયારી

રાજ્ય સરકાર દ્વારા આગામી 2 સપ્ટેમ્બરથી પ્રાથમિક કક્ષાએ ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કરાતાં શાળાઓ અને વાલીઓમાં મહદ અંશે ખુશીનો માહોલ છવાયો છે. શહેર અને જિલ્લાની શાળાઓના આચાર્ય, સંચાલક તેમજ વાલીઓ સાથે વાત કરતાં સરકારના નિર્ણયને તેમને આવકાર્યો હતો. હવે કોરોનાની અસર રહી નથી અને પોઝિટિવ કેસ આવી રહ્યા નથી ત્યારે સાવધાની સાથે શાળાઓ શરૂ કરવી હિતાવહ છે અને તે બાળકો માટે હિતકારક છે. જોકે સરકારના નિર્ણયનો પરિપત્ર હજુ જિલ્લા સ્તરે પહોંચ્યો નથી. મળ્યા પછી શાળાઓને સૂચના આપવામાં આવશે. જિલ્લામાં કુલ 53440 વિદ્યાર્થી ભાઈ-બહેનો શિક્ષણકાર્ય શરૂ થઈ શકશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બિપીન પટેલે જણાવ્યું હતું. બાળકોના વાલીઓનાં સંમતિ પત્રકો લઈ શાળાઓ શરૂ કરવામાં આવશે.

એકપણ કેસ નથી એટલે શાળા ખોલો : વાલી
સરકારના ધોરણ 6 થી 8ની શાળા શરૂ કરવાના નિર્ણય અંગે વાલીઓ ભરતભાઇ રાવલ, મહેશભાઈ નાયક અને દિનેશભાઈ સોલંકીએ જણાવ્યું કે ઓનલાઇન શિક્ષણ ફળીભૂત થયું નથી અને બાળકો આખો દિવસ મોબાઇલમાં ટાઈમ બગાડી રહ્યા છે. હાલમાં હવે કોરોનાની અસર નથી. જિલ્લામાં એક પણ કેસ પોઝિટિવ આવતો નથી ત્યારે શાળાઓ શરૂ કરવી જોઈએ. ત્રીજી લહેર કે પછી પોઝિટિવ કેસ શરૂ થાય તો બંધ કરવાની તૈયારી પણ રાખવી જોઈએ. વાલીઓના મતે ઓનલાઇન શિક્ષણ અસરકારક નથી બની રહ્યું એટલે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ. > વાલીના મત

હવે કોરોના નથી ત્યારે વર્ગ શરૂ વધારે સાર્થક
પાટણ તાલુકાના ચંદ્રુમાણા શાળાના આચાર્ય મનિષ પટેલે જણાવ્યું કે ઓનલાઇન શિક્ષણ અને શેરી શિક્ષણ હાલમાં ચાલી રહ્યું છે તેમ છતાં હવે કોરોના નથી ત્યારે 6 થી 8 માં શાળાઓ શરૂ કરવી વધારે સાર્થક રહેશે. શાળામાં તકેદારીના પગલા લેવામાં આવશે જ. અમારી શાળાનો સમાવેશ એક્સેલેન્સ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો છે. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે શાળા અભ્યાસ ચાલુ હશે. વાલીઓ પણ બાળકોના અભ્યાસ માટે ચિંતિત છે અને શાળાઓ શરૂ થાય તેમ ઈચ્છે છે.

વાલીઓમાં શાળામાં મુકવા આતુરતા : આચાર્ય
પાટણ શહેરની એક્સપરિમેન્ટલ પ્રાથમિક શાળાના આચાર્ય સંજયભાઈ પંચોલીએ જણાવ્યું કે હાલમાં ધોરણ 9 થી 12 ના વર્ગ ચાલી રહ્યા છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનેટાઈઝર, માસ્ક વગેરેનો ચુસ્ત પાલન કરવામાં આવે છે. આ જ રીતે ધોરણ 6 થી 8 માટે પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે .વાલીઓ પણ શાળાઓ શરૂ થાય તેવું ઇચ્છી રહ્યા છે અને અમને જણાવી પણ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...