ઠાકોર વાસમાં જૈન મુનિઓનું આગમન:પાટણના પંચાસરા આઝાદ ચોક પાસે આવેલા ઠાકોર વાસે મહોલ્લામાં જૈન મુનિઓની પધરામણી કરાવી

પાટણ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહોલ્લાના મુખ્ય દરવાજે બાલિકાઓએ માથે કલશ ધારણ કરીને મુનિરાજનું સામૈયું કર્યું ઢોલ નગારા સાથે મુનિઓને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયે લવાયા મુનિરાજના ઉપદેશના પગલે લોકોએ વ્યસન મુક્તિના નિયમો ગ્રહણ કર્યા વ્યસન વ્યક્તિના જીવનમાં કલંક રૂપ છે : ચારિત્રરત્ન વિજયજી

પાટણના પંચાસરા જૈન મંદિર પાસે આવેલ ત્રિસ્તુતીક જૈન ઉપાશ્રયના ચારિત્રરત્નવિજયજી અને નિપુણરત્ન વિજયજીને વિનંતી કરીને આઝાદ ચોકમાં આવેલા ઠાકોર વાસના લોકો એ પોતાના મહોલ્લામાં પધરામણી કરાવી હતી. મુનિરાજના આગમન પૂર્વે ઠાકોર વાસના દરેક ઘરના લોકોએ રંગબેરંગી કપડાં પહેરીને મંગલ ગીતો ગાયાં હતાં. તેઓ ઢોલ નગારા સાથે મુનિઓને ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયે લાવ્યાં હતાં. ત્યારબાદ મુનિરાજ ચારિત્રરત્ન વિજયજીની શોભાયાત્રા પ્રારંભ થઈ હતી.

આ આગમન અંતર્ગત ઠાકોર વાસના મુખ્ય દરવાજે બાલિકાઓએ માથે કલશ ધારણ કરીને મુનિરાજનું સામૈયું કર્યું હતું. શોભાયાત્રામાં નવયુવકોએ નૃત્ય અને નારા લગાવીને મુનિરાજના આગમનને વધાવીને ખુશી વ્યક્ત કરી હતી. આ શોભાયાત્રા બાદ પ્રવચન યોજાયું હતું. જેમાં ચારિત્રરત્ન વિજય મહારાજે કહ્યું હતું કે, પશ્વિમના દેશોનું આંધળું અનુકરણ કરીને માણસ દિન-પ્રતિદિન વધારેને વધારે વ્યસની બનતો જાય છે. વ્યક્તિના જીવનમાં સંઘર્ષ, દુઃખ, કલેશ આવે છે. તેનાથી દૂર જવા અને બચવા માનવ વ્યસનનો આશરો લે છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વ્યસનથી દુઃખ જતું નથી કે ના તો સુખ મળે છે. વ્યસન વધારે દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેનાથી માણસ બરબાદ થાય છે. તેની પાછળ માણસ પૈસા વેડફે છે, તબિયત બગાડે છે, પુષ્કળ દુઃખી થાય છે. વ્યસન એ મનુષ્ય માટે કલંકરૂપ સાબિત થયું છે. મુનિરાજના ઉપદેશના પગલે અનેક લોકોએ વ્યસન મુક્તિના નિયમો ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે ઠાકોર વાસના લોકો એ મુનિરાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...