મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોમાં વસવાટ કરતા નાગરિકો નગરજનો માટે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષે શરૂ કરેલી આઝાદી અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના જૂન અને જુલાઈ એમ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓ દ્વારા નગરજનોને પૂરી પાડવામાં આવતી વિવિધ માળખાકીય સેવાઓના કર-વેરા જેમાં મિલ્કત વેરો, સામાન્ય પાણી વેચે, ખાસ પાણી વેરો, દિવાબત્તી (લાઇટ) વેરો, ગટર વેરો વગેરે વૈરાઓની ચૂકવણીમાં નાગરિકોને સરળતા અને પ્રોત્સાહન આપવા આ નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ યોજના અન્વયે એવો નિર્ણય કર્યો છે કે, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ જો નાગરિકો તા. 30 જૂન, 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરે તો તેમને 7 ટકા વળતર આપવામાં આવશે. એટલું જ નહિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સંકલ્પને વેગ આપવા ભૂપેન્દ્ર પટેલે એવો પણ નિર્ણય કર્યો છે કે, આવી વેરાની રકમ મોબાઇલ એપ કે ઈ-નગરના ઓનલાઇન પોર્ટલ મારફતે તા. 30 જૂન-2022 સુધીમાં ભરપાઈ કરનારા નાગરિકોને વધારાનું 5 ટકા વળતર અપાશે. એટલે કે, ડિઝીટલ ટ્રાન્ઝેકશન કરનારા નાગરિકોને કુલ 12 ટકા વળતરનો લાભ મળશે.
આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો લાભ નગરોના વધુ નાગરિકો લઇ શકે તેવો ઉદાત્ત અભિગમ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. તદાનુસાર, નાણાંકીય વર્ષ 2022-23ની વેરાની રકમ તા. 1 જુલાઇ, 2022થી તા. 31 જુલાઇ, 2022 સુધીમાં એડવાન્સ ભરપાઇ કરનારા નાગરિકોને પાંચ ટકા વળતર મળવાપાત્ર થશે.
આ જ સમયગાળા દરમિયાન ઈ નગર મોબાઇલ એપ કે ઈ-નગરના ઓનલાઇન સિટીઝન પોર્ટલ મારફતે વેરાની રકમ ભરનારા લોકોને વધુ પાંચ ટકા વળતર મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગર પાલિકાઓની આવકમાં વધારો થાય સાથો સાથ કરદાતાઓને પણ કરવેરાની રકમ ભરવામાં સરળતા રહે અને પ્રોત્સાહન મળે તેવા હેતુથી આ આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજનાનો અમલ વધુ બે મહિના લંબાવવાનો નિર્ણય કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.