સહાયથી વંચિત:બાગાયત અને પશુપાલન યોજનાનો લક્ષાંક અને સબસિડી વધારવા માંગ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લક્ષ્યાંક ઓછો રખાતાં જિલ્લાના લાભાર્થીઓ સહાયથી વંચિત
  • લક્ષાંક અને સહાય વધારવા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતાની કૃષીમંત્રીને રજૂઆત

રાજ્યના કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓમાં સહાય માટે ખેડૂતો અને પશુપાલકોની અરજીઓના પ્રમાણમાં સરકાર દ્વારા લક્ષ્યાંક ઓછો ફાળવાતો હોવાથી પાટણ જિલ્લામાં લાભાર્થીઓ સહાયથી વંચિત રહે છે. ત્યારે આ યોજનાઓનો લક્ષ્યાંક અને સબસિડી સહાયમાં વધારો કરવા જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિન પટેલે રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી છે.

પાટણ જિલ્લામાં કૃષિ બાગાયત અને પશુપાલન વિભાગની સહાયકારી યોજનાઓમાં મળતી સહાય માટે ખેડૂતો અને પશુપાલકો દ્વારા ખેડૂત પોર્ટલ પર બહોળા પ્રમાણમાં અરજી કરવામાં આવે છે પરંતુ યોજનાઓમાં રાજ્ય સરકાર દ્વારા લક્ષ્યાંક ખૂબ જ ઓછો ફાળવાતો હોવાથી અરજદારો સહાયથી વંચિત રહી જાય છે. ત્યારે સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અરજીઓ નો સર્વે કરી લક્ષાંક વધારવામાં આવે તેમજ આ યોજનાઓમાં 15 વર્ષ પહેલાના બજાર ભાવ પ્રમાણે સબસિડી આપવામાં આવી રહી છે

તેના બદલે હાલની બજાર કિંમત પ્રમાણે સબસીડીમાં વધારો કરવામાં આવે તો મોટા ભાગના ખેડૂતો અને પશુપાલકો ને સહાયનો લાભ મળી શકે અને તેઓ આર્થિક પગભર બની શકે તો ગામડામાંથી શહેર તરફ થઈ રહેલા સ્થળાંતર અટકી શકે તેવી પાટણ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલે રાજ્યના કૃષિ મંત્રીને રજૂઆત કરી ખેડૂતલક્ષી આ યોજનાઓમાં લક્ષાંક અને સહાયમાં વધારો કરવા માટે માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...